માલદીવને પાંચ બોલમાં 17 રન બનાવીને હરાવ્યું
નવી દિલ્હી, તા. 2 : નેપાળની અંજલિ ચંદે સોમવારે ઈતિહાસ રચતા દક્ષિણ એશિયન ગેમ્સના મહિલા ક્રિકેટ મુકાબલામાં એક પણ રન આપ્યા વિના 6 વિકેટ લીધી હતી. અંજલિએ નેપાળના પોખરામાં રમાયેલા મુકાબલામાં માલદીવ મહિલા ટીમ સામે ઉપલબ્ધી મેળવી હતી.
દક્ષિણ એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ પ્રતિયોગિતાના પહેલા જ મુકાબલામાં અંજલિએ ઈતિહાસ રચ્યો હતો. નેપાળે માલદીવની મહિલા ટીમને માત્ર 16 રનમાં ઓલઆઉટ કરી હતી. ત્યારબાદ માત્ર પાંચ બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 17 રન કરીને મુકાબલો જીતી લીધો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેપાળની ટીમ માટે ઓપનર કાજલ શ્રેષ્ઠએ 13 રન કર્યા હતા. મેચમાં અંજલિએ 2.1 ઓવરમાં 6 વિકેટ લીધી હતી અને ક્રિકેટ જગતનો સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્કોર કર્યો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારતના દીપક ચહરના નામે સર્વશ્રેષ્ટ બોલિંગ ફિગર છે. ચહરે બંગલાદેશ સામે 7 રન આપીને 6 વિકેટ લીધી હતી.
---------
યુરોપિયન ચેમ્પિયનશિપ માટે ડ્રોની ઘોષણા બાદ ભારે રોમાંચ
યુરોપના 12 શહેરમાં દિલધડક અને રોમાંચક ફૂટબોલની મેચો રમાશે
મેડ્રીડ, તા. 2: બે પર્વ વિશ્વ વિજેતા ટીમ ફ્રાન્સ અને જર્મની આગામી વર્ષે યોજાનાર યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશીપ માટે વર્તમાન ચેમ્પિયન પોર્ટુગલની ટીમ સાથે ગ્રુપ એફમાં સામેલ રહેશે. આ ગ્રુપને ગ્રુપ ઓફ ડેથ તરીકે ગણવામાં આવે છે. કારણ કે તમામ શક્તિશાળી ત્રણેય ટીમો એકબીજા સામે શરૂઆતમાં ટકરાઇ જનાર છે. 29મી જૂનના દિવસથી આઠ જુલાઇ દરમિયાન વિશ્વની સૌથી મોટી ફૂટબોલ ચેમ્પિયશીપ પૈકી એક એવી યુરોપિયન ચેમ્પિયનશીપ યોજનાર છે. યુરોપના 12 શહેરોમાં આનુ આયોજન કરવામાં આવનાર છે. તમામ 12 શહેરોમાં મેચોને લઇને ત્યારબાદથી ફૂટબોલ ચાહકોમાં ભારે ક્રેઝ છે. ઇંગ્લેન્ડની ટીમ પણ મુશ્કેલ ડ્રોમાં રહી છે. સૌથી મુશ્કેલ ડ્રો તો એફ છે. જેમાં જર્મની, પોર્ટુગલ, અને ફ્રાન્સ સામેલ છે. ગ્રુપ ઇમાં સ્પેનની સાથે સ્વીડન, પોલેન્ડ પણ છે. જ્યારે ઇંગ્લેન્ડના ગ્રુપમાં તેની સાથે ક્રોએશિયા, ચેક ગણરાજ્ય જેવી શક્તિશાળી ટીમો છે. જેથી ઇંગ્લેન્ડની પણ શરૂઆતમાં જ કસૌટી રહેનાર છે. હંગેરી, રોમાનિયા, આઇસલેન્ડ અને બલ્ગારિયા જેવી ટીમો ગ્રુપ એફમાં અંતિમ સ્થાન મેળવી લેવા માટે સ્પર્ધા કરનાર છે. આ ચાર ટીમોમાં વિજેતા ટીમ 16મી જૂનના દિવસે બુડાપેસ્ટમાં પોર્ટુગલની ટીમ સામે રમવાનુ રહેશે. ગ્રુપ એફમાં જ જર્મની, વિશ્વ ચેમ્પિયન ફ્રાન્સ અને વર્તમાન ચેમ્પિયન પોર્ટુગલ એકબીજા સામે મેચો રમનાર છે. ગ્રુપ ડીમાં ઇંગ્લેન્ડ પણ પડકારરૂપ સ્થિતિનો સામનો કરશે. ગેરેથ સાઉથગેટના માર્ગદર્શનવાળી ઇંગ્લેન્ડની ટીમ 14મી જૂનના દિવસે ક્રોએશિયા સામે તેની પ્રથમ મેચ રમશે. ક્રોએશિયાને દુનિયાની શ્રેષ્ઠ ટીમો પૈકી એક તરીકે ગણવામાં આવે છે. ઇટાલીની ટીમ સામે પણ ગ્રુપમાં પડકાર છે.