જૂનાગઢમાં પેટ્રોલપંપના સંચાલક પાસે ખંડણી વસૂલવા 7 શખસનો હંગામો

જૂનાગઢ, તા. 2: જૂનાગઢ બાયપાસ રોડ ઉપર એક પેટ્રોલ પંપના સંચાલક પાસે સાત શખસો ખંડણી વસુલવા પ્રયાસ બાદ ઝપાઝપી થતા એક ઝડપાયો હતો. જયારે છ નાસી છૂટયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આબનાવની વિગત પ્રમાણે અહીંના ઝાંઝરડા રોડ ઉપર આવેલ જોગી પેટ્રોલપંપ ખાતે મોડી સાંજે દાતાર રોડ વિસ્તારમાં રહેતો સોહિલ ફિરોઝભાઇ નામનો શખસ બાઇકમાં પેટ્રોલ ભરાવ્યા બાદ લાકડી સાથે પંપના સંચાલકની ઓફિસ પાસે ધસી ગયો હતો અને બહાર ઊભી પંપના સંચાલક રામભાઇ ભગવાન કરમટાને ગાળો કાઢી જેટલા પૈસા હોય તે આપી દેવા જણાવ્યું હતું.
આ સાથે પંપના સંચાલક ઓફિસ બહાર નીકળી ગાળો નહીં બોલવા જણાવ્યું હતું. ત્યાં તેમના છ સાગરીતો પહોંચી ગયા હતા અને ગાળાગાળી તથા ઝપાઝપી શરૂ  થતા લોકોના ટોળા એકઠા થઇ જતા ખંડણીનો ખેલ આચરવા આવેલાઓએ મુઠીઓ વાળી હતી. તેમાં પંપના સંચાલક રામભાઇ કરમટાએ સોહિલ ફિરોઝને પકડી લીધો હતો.
આ અંગેની પોલીસને જાણ કરતા ‘બી’ ડીવીઝન પી.આઇ. આર. બી. સોલંકી તથા સ્ટાફ દોડી આવ્યો હતો અને સોહિલની અટક કરી હતી અને રામભાઇ કરમટાની ફરિયાદના આધારે સોહિલ ફિરોજ, કુલદીપ ઉર્ફે કાલી, સાહિલ યુસુફ, જમીલ અલ્ફેઝ, સાહિલ મલેક સામે ગુનો નોંધી નાસી છૂટેલાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
જૂનાગઢ બાયપાસ વિસ્તાર વિકસીત અને ધમધમતો માર્ગ છે ત્યાં પણ લુખ્ખા તત્વો પોતાનું પરાક્રમ અજમાવવાની હિંમત કરતા આ વિસ્તારમાં ચકચાર પ્રસરી છે. પોલીસે આવા તત્વોને ઝેર કરવા વિસ્તારમાંથી માંગણી ઉઠી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer