ભૂમાફિયા સામે મેદાને પડેલી જામનગરની યુવતીને બદનામ કરવાનું કાવતરું

મોબાઈલ ફોનમાં બિભત્સ મેસેજ આવતા હોવાની ફરિયાદ
જામનગર તા.2 : જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ તેમજ તેના મળતીયાઓ સામે લડત માટે મેદાને પડેલી નિશા ગોંડલિયા નામની યુવતી દ્વારા વધુ એક પોલીસ ફરિયાદ અરજી કરવામાં આવી છે. ભૂમાફિયા અને તેના સાગરિતો દ્વારા પોતાની જાતને બદનામ કરવા માટે અને નારી શકિતનું અપમાન થાય તેવા અભદ્ર ટીપ્પણી સાથેના મેસેજ મોબાઈલમાં વાયરલ કરવા અંગેની એક અરજી જામનગર જિલ્લા પોલીસ વડા તેમજ સાઈબર ક્રાઈમ ગુજરાત અને સાઈબર ક્રાઈમ દિલ્હીને પાઠવી છે. આ અંગેની એક અરજી જામનગર જિલ્લા પોલીસ વડા તેમજ સાઈબર ક્રાઈમ ગુજરાત અને સાઈબર ક્રાઈમ દિલ્હીને પાઠવી છે.
મેસેજ વાયરલ કરનાર અજાણ્યા શખસના નંબરો ટાંકીને અભદ્ર ટિપ્પણી કરનાર શખસને શોધી કાઢી તેની સામે સખત પગલા ભરવાની માંગણી કરી છે. આ ઉપરાંત તેના દ્વારા નવો વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં સૂર બદલ્યો છે અને જિલ્લા પોલીસ વડા સામે આક્ષેપો બાબતે ફેરવી તોળ્યું છે અને પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ વ્યકત કર્યો હતો.
જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે મેદાને પડેલી યુવતી નિશા ગુલાબદાસ ગોંડલિયાએ ગત સપ્તાહે ખંભાળિયા પોલીસ મથકમાં પોતાના પર ફાયરીંગ કરાયાની અને જયેશ પટેલ તથા તેનો સાગરિત યશપાલ જાડેજાના મળતિયાઓ દ્વારા પોતાને મારી નાખવાની કોશિષ કરાયાની ફરિયાદ નોંધાવી હતી. તે બનાવ ખંભાળિયા નજીક આરાધનાધામ  પાસે બન્યો હતો. તે ફરિયાદના અનુસંધાને જામનગર પોલીસ અને ખંભાળિયા પોલીસ સંયુકત રીતે તપાસ ચલાવી રહી છે. દરમિયાન આજે નિશા ગોંડલિયાએ જામનગરના જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવીને આ નવી ફરિયાદ અરજી કરી છે.
અરજીમાં તેણે આક્ષેપ કર્યો છે કે પોતાને તાજેતરમાં જ મોબાઈલ ફોન મેસેજ દ્વારા જાણવા મળ્યું છે કે જયેશ પટેલ અને યશપાલ મહેન્દ્ર જાડેજા દ્વારા પોતાને વોટસએપ મારફત બદનામ કરવા માટે અભદ્ર ટિપ્પણી સાથેના મેસેજ વાઈરલ કરવામાં આવ્યા છે. તે મેસેજ વાંચતા ભારતીય નારીનું અપમાન થાય અને બદનામ થાય તેવા શબ્દનો દુરૂપયોગ કરાયો છે. જેથી તે મેસેજના પુરાવાઓ રજૂ કરી મો.99092 30999 ઉપરથી તેમજ અન્ય નંબરમાંથી આવા મેસેજો વાઈરલ થયાં છે તેમ જણાવી જિલ્લા પોલીસ વડાને અરજી કરી છે. ઉપરાંત સાઈબર ક્રાઈમ અમદાવાદ અને સાઈબર ક્રાઈમ દિલ્હીને અરજી પાઠવી આવા મેસેજ વાઈરલ કરનાર શખસને શોધી કાઢી શિક્ષાત્મક પગલા ભરવા માગણી કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer