જામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત

જામનગર, તા.2 : જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.45માં રહેતા 22 વર્ષીય એક યુવક તેમજ 17 વર્ષની એક તરૂણીએ રાત્રે લાખોટા તળાવના પાછળના ભાગમાં જઈ સજોડે જિંદગીનો અંત આણ્યો હતો. બંને એકબીજા સાથે પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં.45માં જૂના જેલ રોડ પર રામદેવપીરના મંદિર પાસે રહેતા કુલદિપ છગનભાઈ પરમાર નામના 22 વર્ષના યુવક તેમજ ભૂમિ હેમતભાઈ મકવાણા નામની 17 વર્ષની તરૂણીએ ગઈરાત્રે 10 વાગ્યાના અરસામાં બાઈક ઉપર બેસીને રણમલ તળાવના પાછળના ભાગે ગયાં હતાં ત્યાં બંને વચ્ચે કોઈ વાતચીત થયા પછી બંનેએ એકાએક તળાવમાં ઝંપલાવી દીધું હતું. ઘટનાથી જાણ થતા ત્યાંથી પસાર થનારા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
જેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી.પરંતુ તે પહેલા બન્ને પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યા હતાં. ફાયર બ્રિગેડે વારાફરથી બંનેની લાશ બહાર કાઢી હતી અને પોલીસને સુપરત કરી હતી.
બંને એકબીજાના પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે. કયા કારણસર તેઓએ આ પગલું ભરી લીધું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ ઘટનાને લઈને બંને મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને ભારે ગમગીની છવાઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer