નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી આશ્રમ પર ફરી વળશે બુલડોઝર

ડીપીએસ પરિસરમાં આવેલો નિત્યાનંદનો યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમ ખાલી કરાવાયો
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.2: અમદાવાદ કલેક્ટરના આદેશ બાદ આજે નિત્યાનંદ આશ્રમમાં રહેતા લોકો અને સાધકો આશ્રમ ખાલી કરી રહ્યા છે. અનેક કૌભાંડોનું કેન્દ્ર બનેલા નિત્યાનંદ આશ્રમ આજે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધકો અને સાધ્વીઓ આશ્રમ ખાલી કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તમામ સાધકો બિસ્તરા-પોટલા લઇને આશ્રમની છોડી બેંગલુરુ જઇ રહ્યા છે. તેમના શિફ્ટીંગ માટે 2 લકઝરી બસ પણ બોલાવવામાં આવી હતી .
વિવાદોથી ઘેરાયેલી ડીપીએસ ઇસ્ટની માન્યતા સીબીએસઇ દ્વારા રદ કરવામાં આવી છે ત્યારે આજે કલેક્ટર દ્વારા ડીપીએસ પરિસરમાં આવેલા નિત્યાનંદનો યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમને ખાલી કરવાનો આદેશ જારી કરાયો છે. જેના પગલે આશ્રમમાંથી નિત્યાનંદના સાધકોની હકાલપટ્ટી થઇ છે. પોલીસ પ્રોટેક્શન સાથે સાધકોએ આશ્રમ ખાલી કર્યો હતો. સાધકો સાથે  28 બાળકોને પણ બેંગલુરુ લઇ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ડીપીએસ સ્કૂલને આશ્રમ ખાલી કરવા માટે 3 મહિનાની નોટિસ આપવામાં આવી હતી. જે બાદ આખરે આજે આશ્રમ ખાલી થયો છે.  સાધક-સાધ્વીઓ  રવાના થયા બાદ ડીપીએસ સ્કૂલ સંકુલમાં ધમધમી રહેલા ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફરી વળશે.
દરમિયાન આશ્રમ ખાલી કરતા સમયે સાધકોએ કે આશ્રમના કોઇપણ લોકોએ મીડિયા સાથે વાત કરવાનો ઇન્કાર કર્યો હતો.  તમામ સાધકો-સાધ્વીઓ ચૂપચાપ પોતાનો સામાન લઇને આશ્રમ બહાર નીકળી ગયા હતા અને બે લકઝરી બસમાં બેસી બેંગલુરુ તરફ રવાના થયા હતા. તો કેટલાક બાળકોના માતા-િપતા તેમને લેવા માટે આવી ગયા હતા. આ મામલે અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી કે.ટી.કામરિયાએ જણાવ્યું કે, નિત્યાનંદિતા ગુમ થવા મામલે પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ હોવાથી કેસમાં સંકળાયેલા આઠ સાધકો અને સાધ્વીઓને અમદાવાદ નહીં છોડવા માટે પોલીસે જાણ કરી હતી જેથી તેઓ તેમના ભાડે રાખેલા બંગલોઝમાં રહેશે.
અહીં નોંધવું ઘટે કે, થોડાક દિવસો પહેલા પુત્રી નિત્યનંદિતાને મળવા માટે દક્ષિણ ભારતથી આવેલા જનાર્દન શર્માને સંચાલકોએ મળવા નહીં દેતા મામલો બીચક્યો હતો, જેથી જનાર્દન શર્માએ આશ્રમના સંચાલકોએ યુવતી ગુમ કરી હોવાના આક્ષેપો કર્યો હતો. આ મામલા બાદ યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમ વિવાદોમાં આવ્યો હતો અને નિત્યાનંદિતા ગુમ થવાની ફરિયાદ પોલીસે કરી હતી. જ્યારે નિત્યાનંદિતાનો સગીર ભાઇ અને બહેનને ગોંધી રાખીને બાળ મજૂરી કરાવવા મામલે વિવેકાનંદ પોલીસે નિત્યાનંદ અને બે સાધિકાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આશ્રમની બે સંચાલક સાધિકાની ધરપકડ કરી હતી.
બીજી બાજુ નિત્યાનંદિતા ગુમ થવા મામલે જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ ફાઇલ કરી હતી. જેમાં  કોર્ટે પોલીસને નિત્યાનંદિતાને શોધીને કાર્ટમાં હાજર કરવા માટે આદેશ કર્યા હતા. નિત્યાનંદિતા અને તેની બહેન લોપામુદ્રા અનેક વખત વીડિયો કોલ દ્વારા સામે આવી હતી અને તેઓ મરજીથી ગઇ હોવાનું નિવેદન આપ્યુ ંહતું અને પરિવાર સાથે નહીં પરંતુ આશ્રમમાં ખુશ હોવાનું કહ્યુ ંહતું. બંને જણાએ પોતાના પિતા જનાર્દન ઉપર પણ અનેક આરોપો કર્યા હતા. પોલીસે અને સાયબર ક્રાઇમની ટીમને નિત્યાનંદિતાના આઇપી એડ્રેસથી તેને શોધવા માટે તજવીજ શરૂ કરી પરંતુ પોલીસને તેમાં પણ સફળતા મળી નહીં. પોલીસને જાણવા મળ્યું કે નિત્યાનંદિતા નેપાળ થઇને અન્ય દેશમાં જતી રહી છે ત્યારે નિત્યાનંદ પણ ગાયબ છે જેની શોધખોળ ચાલી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer