માધાપરની 300 વીરાંગનાએ નાપાક ઇરાદો ઊંધો વાળ્યો

પાકિસ્તાને 63 બોમ્બ નાખીને તોડેલા ભૂજ એરપોર્ટના રનવેને એન્જિનિયરીંગ નહીં જાણતી 300
ક્ષ          મહિલાએ હિંમત, આવડત, દેશદાઝ થકી 3 દિવસમાં તૈયાર કરી દુશ્મન દેશનો પ્લાન ચોપટ કર્યો
3 ડિસેમ્બર 1971માં 13 દી’ ચાલ્યું હતું યુધ્ધ
ભાર્ગવ પરીખ
અમદાવાદ, તા.2 (ફૂલછાબ ન્યૂઝ): ઇતિહાસના પાનાં પર કચ્છની અનેક વિરગાથાઓ છે પણ અહીંની  મહિલાઓની એક વીરગાથા ભારતીય લશ્કરના ઇતિહાસના પાનાઓમાં ધરબાયેલી પડી છે અને એ છે માધાપર ગામની બહેનોની વીરતાની વાત...
ભારતીય લશ્કરના પાનાંમાં 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની અનેક વાતો છે એમની એક વાત છે માધાપર ગામની બહેનોએ જો વિરતા ના બતાવી હોત તો કદાચ ભારતીય લશ્કરને કચ્છની બોર્ડર સાચવવી અઘરી પડી ગઈ હોત. જો આપણે ઇતિહાસની અટારીમાં ડોકિયું કરીયે તો 3 ડિસેમ્બર 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ તો માત્ર 13 દિવસ ચાલ્યું હતું, એમાં કંઈ કેટલાય જવાનોની વીરગાથા લખાઈ છે અને મુખ્યત્વે લશ્કરના જવાનોની વાત થઇ છે એમને મેડલ પણ અપાય છે પરંતુ કચ્છના માધાપર ગામની બહેનોએ જે વિરતા બતાવી છે એના માટે એમને કોઈ મેડલ મળ્યા નથી, પણ એમની બે દિવસની કામગીરીએ ભારતના વિજયમાં મોટો ફાળો આપ્યો છે.
એ દિવસ હતો 3 ડિસેમ્બર 1971 સાંજે 5.40 વાગ્યે પાકિસ્તાની વિમાન રોબર જેટ્સ અને સ્ટાર ફાઈટરે ભારત પાર બોમ્બ વર્ષા શરુ કરી, પઠાનકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રાના સૈન્ય મથકો  પર બોમ્બ નાખ્યા, પાકિસ્તાન જાણતું હતું કે ભારત માટે એને પરાસ્ત કરવાનો બીજો રસ્તો ભુજ એરપોર્ટ પણ છે, એટલે એક જ દિવસમાં ભુજ એરપોર્ટના રનવે પર એક બે નહિ 63 બોમ્બ નાખી રનવેને તહસ નહસ કરી નાખ્યો. એર સ્ટ્રીપ વચ્ચે ખાડો પાડી દીધો જેથી રનવેથી કોઈ વિમાન ઉડીને પાકિસ્તાન પર હુમલો ના કરી શકે .  સ્થિતિ વણસી ગઈ હતી એ વખતના ભુજ એરફોર્સના કમાન્ડર વિજય કર્ણીકે, કચ્છના કલેક્ટરની મદદ માંગી અને કચ્છનું ખમીર જાણતા એ સમયના કલેક્ટર એન. ગોપાલસ્વામીએ એ સમયના માધાપરના સરપંચ વી.કે.  પટેલની મદદ માંગી, અને વી.કે  પટેલે ગામના લોકોને ભેગા કર્યા, અને માધાપરની તૂટેલી એર સ્ટ્રીપને રીપેર કરવાની જવાબદારી ગામની 300 બહેનોએ ઉઠાવી લીધી, આગલી રાત સુધી જ્યાં બોમ્બ ગોળા વરસતા હતા ત્યાં કામ કરવા કચ્છની આ 300 બહેનો ઉભી થઇ ગઈ, રનવે કેમ બનાવવો એની ખબર ન હતી ક્યારે માથા પર બોમ્બ પડશે એની ખબર ન હતી, પણ દેશ માટે આ બહેનો આવી ગઈ, એન. ગોપાલસ્વામીએ પોતાની નોંધમાં લખ્યું છે કે એ સમયે સુંદરબેન જેઠાભાઈ નામની બહેન ગામની 300 બહેનો સાથે ઘરેથી પાવડા તગારા લઇને આવી ગઈ હતી.
એ સમયના એર ચીફ માર્શલ પી.સી.લાલે પોતાની નોંધમાં લખ્યું છે કે અમે એ સમયે આ મહિલાઓને જોખમથી વાકેફ કરી હતી કે ગમે તે સમયે પાકિસ્તાન હવાઈ હુમલો કરી શકે છે. બહેનોનો જુસ્સો જબરજસ્ત હતો, પાકિસ્તાન તરફથી કોઈ જોખમ જણાય તો અમે સાયરન વગાડતાં અને બહેનો બાવળના ઝાડ નીચે જતી રહેતી, આમ આ બહેનોના જઝબાને લીધે માત્ર ત્રણ દિવસમાં એર સ્ટ્રીપ તૈયાર થઇ ગઈ અને ત્યાંથી એરફોર્સના વિમાન પાકિસ્તાન પર હુમલો કરવા ઉડવા લાગ્યા હતા, કોઈ એન્જીનીયરીંગ નહિ જાણતી માધાપર ગામની આ બહેનો હિંમત આવડત અને દેશદાઝને કારણે કચ્છથી ભારત પાકિસ્તાન પર હવાઈ  હુમલો ના કરી એ પાકિસ્તાનના નાપાક મનસૂબાને માધાપરની 300 બહેનો નાકામિયાબ બનાવ્યો.
યુદ્ધમાં ભારતની જીત બાદ ગુજરાતના રાજ્યપાલ ડો.શ્રીમન નારાયણે માધાપરના વિકાસ માટે ખાસ 50000 રૂપિયા આપ્યા હતા ઇતિહાસના પાનાંમાં ધૂળ ખાઈ રહેલી માધાપર ગામની 300 બહેનોની મહેનત અને ખમીર જો 1971 ડિસેમ્બરમાં  કામે ના લાગ્યું હોત તો કદાચ 13 દિવસમાં આપણે પાકિસ્તાનને ચારે ખૂણે મ્હાત કરવાનું આટલું સરળ ના બન્યું હોત.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer