રાજકોટ જિલ્લાની 8 કચેરી મુખ્ય અધિકારીઓ વિહોણી !

મોટાભાગની કામગીરી ઈન્ચાર્જ પાસે : વિવિધ વિભાગમાં ના.મામલતદાર અને કારકૂનની 40 ટકા જગ્યા ખાલી
ક્ષ          રાજકોટ કલેક્ટર કચેરીમાં જ ત્રણ મામલતદારની ભરતી અધ્ધરતાલ : જિલ્લામાં 35 મહેસુલી તલાટીની ઘટ 
રાજકોટ, તા.2 : સરકારની વિવિધ યોજનાઓ અને અન્ય મહત્વની કામગીરી માટે લગભગ દરેક વ્યક્તિને કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડે છે તેવામાં રાજકોટ જિલ્લામાં 8 કચેરી હાલ મુખ્ય અધિકારીઓ વિહોણી છે. જેમાંથી અમુક કચેરીઓમાં ઈન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવે છે. આ સિવાય રાજકોટ કલેક્ટર કચેરીમાં જ ત્રણ મામલતદારની ભરતી લાંબા સમયથી અધ્ધરતાલ છે. આ ઉપરાંત વિવિધ વિભાગના નાયબ મામલતદાર અને ક્લાર્કની 40 ટકા જગ્યા ખાલી પડી છે અને જિલ્લામાં કુલ 35 મહેસુલ તલાટીની ઘટ છે.  
રાજકોટ જિલ્લામાં ચાર ડેપ્યુટી કલેક્ટરની જગ્યા ખાલી પડી છે. જેમાં મહત્વની ગણાતી રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની જગ્યા નવ મહિનાથી ખાલી પડી છે. જિલ્લામાં સસ્તા અનાજના દુકાનધારકો દ્વારા રાશનકાર્ડ ધારકોને છેતરવામાં આવે છે અને અનેક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ વચ્ચે પુરવઠા વિભાગની કામગીરી ઈન્ચાર્જથી જ કરવામાં આવે છે. તેમાં પણ પુરવઠાના ઈન્ચાર્જ અધિકારી અને રાજકોટ શહેર-2 પ્રાંત અધિકારી જસવંત જેગોડાની તાજેતરમાં ગાંધીનગર બદલી થતા એક સાથે બે કચેરી રેઢી પડી છે. આ સિવાય ગોંડલ અને જેતપુર પ્રાંત અધિકારીની જગ્યા પણ ચારેક મહિનાથી ખાલી પડી છે. જ્યારે રાજકોટ કલેક્ટર કચેરીમાં મધ્યાહન ભોજન નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડયુટી નાયબ કલેક્ટર ગ્રામ્ય અને શહેરના બે તથા જમીન સંપાદન પૂન: વસવાટ નાયબ કલેક્ટરની જગ્યા પણ લાંબા સમયથી ખાલી પડી છે. તદુપરાંત કલેક્ટર કચેરીમાં પ્રોટોકોલ જન સંપર્ક અધિકારી અને ડિઝાસ્ટર મેનેઝમેન્ટ સેલના એક-એક મામલતદારની જગ્યા ખાલી પડી છે.
રાજકોટ જિલ્લાની 16 મામલતદાર કચેરીઓમાં કુલ 99 નાયબ મામલતદારની જગ્યા છે. જે પૈકી હાલ 60 જગ્યા જ ભરેલી છે બાકીની 39 જગ્યા ખાલી છે. જેમાં રાજકોટ કલેક્ટર કચેરીમાં જ 3 ઉપરાંત મધ્યાહન ભોજન, ખાસ જમીન સંપાદન, બિનખેતી, યુએલસી સહિતના અન્ય વિભાગમાં કુલ 11 નાયબ મામલતદારની જગ્યા ખલી પડી છે. તેમજ પુરવઠા વિભાગમાં 29 જગ્યા પૈકી 14 ભરેલી અને 15 નાયબ મામલતદારની જગ્યા ખાલી છે. આ સિવાય રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં 5, રાજકોટ શહેર પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ મામલતદાર કચેરીમાં એક-એક નાયબ મામલતદારની જગ્યા ખાલી છે. આ ઉપરાંત જિલ્લામાં 203 ક્લાર્કની જરૂરિયાત સામે 118 જગ્યા જ ભરેલી હોવાથી હાલ 85 જગ્યા ખાલી પડી છે. જ્યારે 175 પૈકી 35 મહેસુલ તલાટીની જગ્યા ખાલી પડી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer