કહેને કો જશ્ન બહારા હૈ...! જાવેદે શહેરીજનોને ડોલાવ્યાં

કહેને કો જશ્ન બહારા હૈ...! જાવેદે શહેરીજનોને ડોલાવ્યાં
કાર્યક્રમ પૂર્વે રાજકીય ભાષણબાજીએ લોકોના રંગમાં ભંગ પાડયો
રાજકોટ તા.19 : કોર્પોરેશનના 49માં સ્થાપના દિવસ નિમિતે આજરોજ  રેસકોર્ષ મેદાનમાં બોલીવૂડના ખ્યાતનામ પ્લેબેક સિંગર જાવેદ અલીની મ્યુઝીકલ નાઈટનું આયોજન કરાયું હતું.શિયાળાની ફૂલગુલાબી ઠંડી વચ્ચે પણ શહેરીજનોએ આ કાર્યક્રમને મન મૂકીને માણ્યો હતો. જો કે, રાબેતા મુજબ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે રાજકીય ભાષણબાજીનો દોર ચાલુ રહેતા શહેરીજનો કંટાળ્યાં પણ હતાં.
જાવેદઅલીએ ફિલ્મ જોધા અકબરના કહેને કો જશ્ન બહારા હૈ ગીતથી શહેરીજનોને મનોંરજન પીરસવાનું શરૂ કર્યુ હતું. બાદમાં ફિલ્મ ગજનીનું ગુજારીશ તેમજ બજરંગી ભાઈજાનનું તું જો મિલા, દબંગ-3 ફિલ્મ તોસે નેના લડે કે લડે રહે ગયે ગીત ગાતા શહેરીજનો ઝૂમી ઉઠયાં હતાં. કાર્યક્રમ શરૂ થતાં જે ખૂરશીઓ ખાલી હતી તે ધીરે-ધીરે ભરાવા લાગી હતી. દરમિયાન બપોરે જાવેદ અલી સાથે એક પત્રકાર પરિષદનું આયોજન પણ મ્યુનિ.તંત્રએ કર્યુ હતું પરંતુ તેમની ફ્લાઈટ મોડી પહોંચતા પ્રેસ કોન્ફરન્સ મોકૂક રાખવામાં આવી હતી. જાવેદ અલીએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મેલોડી મ્યુઝીકનો ચાહક વર્ગ આજે પણ છે જ પરંતુ મલ્ટીપલ મ્યુઝીક એ ફિલ્મ ડીરેકટર્સની ચોઈસ હોય છે. હાલમાં કેમ લત્તા, મુકેશ કે રફી જેવા ગાયકો જોવા મળતા નથી તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, જુના જમાનામાં ફકત ચાર જ ગાયક હતા અને ફિલ્મો પણ ઓછી બનતી હતી આથી દરેકના ભાગે અનેક ફિલ્મો અને અનેક ગીતો આવતા હતા. જયારે વર્તમાન યુગ એ ભરપુર હરીફાઈનો યુગ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer