રૈયા રોડ બ્રિજ સામે વેપારીઓનો વિરોધ

રૈયા રોડ બ્રિજ સામે વેપારીઓનો વિરોધ
કમિશનરને આવેદનપત્ર: સર્વીસ રોડ મોટો કરવા સહિત પ્રોજેક્ટ માટે કર્યા અનેક સૂચન
રાજકોટ તા.19 : શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે રેલવે તંત્ર દ્વારા અંડરબ્રિજ નિર્માણની કામગીરી શરૂ થઈ છે. બ્રિજ નિર્માણથી આ રસ્તા પર વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવવાનું છે પરંતુ બે વર્ષ સુધી ચાલતી આ કામગીરીને પગલે આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા નાગરિકો તેમજ દુકાનદારોને હાલાકી શરૂ થઈ ગઈ હોય આજે વોર્ડ નં.2ના કોંગ્રેસના આગેવાનો અને વેપારીઓ દ્વારા કમિશનરને આવેદન પાઠવી કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યાં હતાં.
કોંગ્રેસ અગ્રણી અને આર્કીટેકટ પ્રદીપભાઈ ત્રિવેદી, લત્તાવાસીઓ અને વેપારીઓએ આજે વેસ્ટ ઝોન ખાતે મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમાં અંડરબ્રીજના કામથી લોકોને પડવા લાગેલી મુશ્કેલીઓ અંગે નવ મુદ્દાનું ધ્યાન દોરવામાં આવ્યું છે. રૈયા રોડ તદન બંધ થતા ભારે હાલાકી ઉભી થઈ હોય રસ્તો કાઢવા કમિશ્નર ઉદિત અગ્રવાલને વિનંતી કરાઈ છે. તેઓએ જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બન્યા છે ત્યાં ત્યાં આવેલી દુકાનો અને શોરુમના વેપાર-ધંધા મહાપાલિકાના અણઘડ આયોજનના કારણે ભાંગી પડયા છે. રૈયા રોડ પર બ્રિજની ડિઝાઇન એવી રાખવામાં આવી છે કે જેમાં સર્વિસ રોડની પહોળાઈ ખૂબ જ ઓછી રહે છે તેથી વેપાર-ધંધા ભાંગી પડવાની ભીતિ છે.
દરમિયાન પ્રોજેકટનું કામ ચાલુ રહે ત્યાં સુધી મેયર બંગલા તરફ વાળુ જુનુ ફાટક વૈકલ્પીક રીતે ચાલુ રાખવા, રૈયા અને કાલાવડ રોડ વચ્ચે વૈશાલીનગરમાંથી પણ હંગામી ફાટક ચાલુ રાખવાની જરૂર હોવાનું, આગામી ચોમાસાને અને અન્ય બ્રીજની હાલત ધ્યાને લઈ અહીં એડવાન્સમાં પાણી નિકાલની વ્યવસ્થા ગોઠવવા, ઢાળ વડીલો, રાહદારીઓ અને સાયકલ સ્વારો માટે સુગમ રાખવા પતરાની આડશો બાંધતા પહેલા લાઈટ પોલ, ટ્રીગાર્ડ, ભૂગર્ભ પાઈપલાઈન તથા અન્ય અડચણો એડવાન્સમાં દુર કરી રાહદારીઓની સુવિધાનું ધ્યાન રાખવા તેમણે માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ ગઈકાલે જ ફૂલછાબે રૈયારોડ અંડરબ્રિજની કામગીરીને લીધે ધંધા-રોજગારની માઠી શીર્ષક હેઠળ દુકાનદારો અને આસપાસ રહેતા નાગરિકોની સમસ્યા લોકો સમક્ષ રજૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer