સસ્પેન્સ સમાપ્ત: પાકિસ્તાન વિરુદ્ધનો ભારતનો ડેવિસ કપનો મુકાબલો કઝાકિસ્તાનમાં રમાશે

સસ્પેન્સ સમાપ્ત: પાકિસ્તાન વિરુદ્ધનો ભારતનો ડેવિસ કપનો મુકાબલો કઝાકિસ્તાનમાં રમાશે
નવી દિલ્હી તા. 19: પાકિસ્તાન વિરુદ્ધના ડેવિસ કપના મુકાબલાનું સ્થળ આખરે ફાઇનલ થયું છે. આ બહુ અપેક્ષિત મુકાબલો કઝાકિસ્તાનની રાજધાની નૂર સુલતાનમાં રમાશે. ભારત-પાકિસ્તાનના ડેવિસ કપ ટેનિસનો મુકાબલો કઝાકિસ્તાન ખાતે રમાશે. તેની જાહેરાત આજે આઇટીએફ દ્વારા સત્તાવાર રીતે થઇ છે. પાકિસ્તાન ટેનિસ મહાસંઘે આના વિરુદ્ધ અપિલ કરી હતી જે ખારીજ થઇ છે. આ પહેલાં આ મુકાબલો પાક.ની રાજધાની ઇસ્લામાબાદ ખાતે રમાશે તેવું જાહેર થયું હતું. પરંતુ બંને દેશ વચ્ચેના તનાવભર્યા સંબંધને લીધે ભારતે પાક. પ્રવાસે જવાની અનિચ્છા વ્યકત કરી હતી. હવે આ મુકાબલો તા. 29-30 નવેમ્બરે નૂર સુલતાન ખાતે રમાશે. ભારતીય ટેનિસ ટીમની આગેવાની સુમિત નાગર અને રામકુમાર રામનાથન કરશે. જયારે ડબલ્સમાં દિગ્ગજ લીએન્ડર પેસ અને યુવા ખેલાડી જીવન નેદુચેજિયાન પડકાર રજૂ કરશે.
ભારતને ફટકો: બોપન્ના આઉટ
પાક. વિરુદ્ધના આ મહત્વના ડેવિસ કપના મુકાબલામાંથી ભારતનો અનુભવી ખેલાડી રોહન બોપન્ના ખભાની ઇજાને લીધે બહાર થઇ ગયો છે. ભારતીય ટીમના નોનપ્લેઇંગ કેપ્ટન રોહિત રાજપાલે આ જાહેરાત કરી છે.
પાક. ખેલાડી કુરેશીએ બહિષ્કાર કર્યો
ભારત સામેનો ડેવિસ કપનો મુકાબલો પાકિસ્તાનમાંથી ખસેડીને કઝાકિસ્તાનમાં રમાડવાના ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનના નિર્ણયનો પાક.ના અનુભવી ખેલાડી એસાન ઉલ હક કુરેશીએ વિરોધ કર્યો છે અને ભારત સામેના મુકાબલાનો બહિષ્કાર કર્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer