ટીમ ઈન્ડિયાની અવઢવ ડે-નાઈટ ટેસ્ટમાં સ્પિન અને પેસની પસંદગી મામલે મૂંઝવણ

ટીમ ઈન્ડિયાની અવઢવ ડે-નાઈટ ટેસ્ટમાં સ્પિન અને પેસની પસંદગી મામલે મૂંઝવણ
નવી દિલ્હી, તા.19: ભારતમાં પિંક બોલથી રમાનારા પહેલા ડેનાઈટ ટેસ્ટનો મંચ પુરી રીતે તૈયાર થઈ ચુક્યો છે. પ્લેયર્સ પણ પોતાની તૈયારીઓને અંતિમ રૂપ આપી રહ્યા છે. પરંતુ મુખ્ય મુદ્દો ટીમ કોમ્બિનેશનને લઈને થઈ શકે છે. જેમાં ટીમને બોલિંગ એટેકમાં પેસ અને સ્પિન બન્ને વચ્ચે સંતુલન રાખવાની મૂંજવણનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં પણ ભારતીય પેસ ઘાતક છે. પરંતુ 22નવેમ્બરના રોજ મેચમાં ઈડન ગાર્ડનની સ્પિન ફ્રેન્ડલી પીચ ઉપર ટીમ ઈન્ડિયા કેટલા પેસર સાથે ઉતરશે તે નિર્ણય દિલચસ્પ બની રહેશે.
ભારતીય ટીમમાં હત્યારે રવીન્દ્ર જાડેજા અને અશ્વિન સ્પિનર તરીકે સામેલ છે અને બન્નેને ઈન્દોર ટેસ્ટમાં તક મળી હતી. પરંતુ કોલકાતામાં ટીમ ઈન્ડિયા માત્ર એક સ્પિનર સાથે મેદાનમાં ઉતરે તો પણ આશ્ચર્ય નહી રહે. રવીન્દ્ર જાડેજાની બેટિંગ સારી હોવા છતા પણ ટીમ ઈન્ડિયાની પહેલી પસંદ અશ્વિન જ રહી શકે છે. અશ્વિન પાસે જાડેજા જેવો ટર્ન નથી પણ પોતાના વેરિયસ અને લાઈન લેન્થથી બેટ્સમેનને પરેશાન કરવામાં માહેર છે.
ટીમમાં મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને ઈશાન્ત શર્મા રૂપમાં વર્તમાન સમયમાં ત્રણ પેસર છે. તેવામાં ટીમ મેનેજમેન્ટ એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન જોડી શકે છે. જેમાં હનુમા વિહારી સારો વિકલ્પ બની શકે છે. જે થોડી ઘણી ફિરકી બોલિંગ પણ કરી શકે છે.
ઈન્દોરમાં રમાયેલા પહેલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ત્રણ પેસર્સ અને બે સ્પિનરના પારંપરિક કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ મેચમાં પુરી જવાબદારી પેસર્સ દ્વારા ઉઠાવી લેવામાં આવી હતી અને સ્પિનર્સની વધુ જરૂર પડી નહોતી. હવે ગુલાબી બોલ કેટલો ટર્ન થશે અને ફ્લડ લાઈટની કેવી અસર રહેશે તે અંગે સસપેન્સ છે. સ્થાનિક ક્રિકેટમાં પિંક બોલથી ઘણા મેચ રમી ચુકેલા ઝારખંડના સ્પિનર શહબાઝ નદીમના માનવા પ્રમાણે પિંક બોલથી બોલિંગ સમયે સ્પિનરને ટર્નથી વધારે લાઈન અને લેન્થ ઉપર ધ્યાન આપવું પડશે.
નદીમના કહેવા પ્રમાણે બોલ વધુ હરકત કરતો ન હોવાથી એક લાઈન પકડીને બોલિંગ કરવાની જ સ્પિનર્સને ફાયદો મળી શકશે. બીજી તરફ કાશ્મીરના અનુભવી સ્પિનર પરવેઝ રસૂલના કહેવા પ્રમાણે નવા બોલથી થોડી સ્પિન મળી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer