ભાવનગરમાં શિપબ્રેકર્સ-બિલ્ડર્સની પેઢી ઉપર આવકવેરા વિભાગના દરોડા

ભાવનગરમાં શિપબ્રેકર્સ-બિલ્ડર્સની પેઢી ઉપર આવકવેરા વિભાગના દરોડા
15 થી વધુ સ્થળોએ 100 થી વધુ અધિકારીની તપાસ : વેપારીઓમાં ફફડાટ ફેલાયો
ભાવનગર, તા.19: ભાવનગરમાં મંગળવાર વહેલી સવારથી જ આવકવેરા વિભાગે ઉદ્યોગપતિઓની ઓફિસ અને શિપબ્રેકરોના રહેણાક મકાનો ઉપર દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આ કામગીરીમાં આશરે 100 થી વધારે અધિકારીઓ જોડાયા છે. જ્યારે 15 જેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને 50 કરતા વધુ ગાડીઓનો કાફલો શહેરના શિપબ્રેકરો અને ઉદ્યોગપતિઓના નિવાસ સ્થાન તથા ઓફીસ પર ત્રાટક્યું છે.
એશિયાનું સૌથી મોટું શિપ બ્રાકિંગ યાર્ડ ભાવનગરનાં અલંગ ખાતે આવેલું છે. આ બ્રાકિંગ યાર્ડ સાથે સંકળાયેલા અડધો ડઝનથી પણ વધુ શિપબ્રકેરોનાં ઘર અને ઓફિસમાં મંગળવાર સવારથી જ દરોડા પાડી આવકવેરા વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું. આઇ.ટી વિભાગનાં આ દરોડામાં મોટા પાયે બેનામી સંપત્તિ મળી આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. આ દરોડામાં શિપબ્રાકિંગ, બિલ્ડીંગ, ફ્રનેશના વેપારી સાથે સંકળાયેલા 9 જેટલા મોટાગજાના વેપારીને ત્યાં તપાસ હાથ ધરી છે.
ભાવનગરના રૂપાણી સર્કલ, માધવહીલ, શિશુવિહાર  સહિતના વિસ્તારમાં રહેતા અને ઓફિસો ધરાવતા મુકેશ પટેલ, સંજય મેહતા, હુગલી શાપિંગ, શ્રીજી શાપિંગ, નગરશેઠ શાપિંગ, પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ, નજીર કલીવાળા, દિલાવર કળીવાળા સહિતના શિપબ્રોકરોને ત્યાં દરોડા પડયા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આવકવેરા વિભાગે દરોડા પાડી  અમુક જગ્યાએથી ગુપ્તડાયરી પણ ઝડપી પાડી છે અને આનાથી મોટા ખુલાસા થવાની સંભાવના છે. ખાસ કરીને જે રીતે શાપિંગના કારોબારમાં ઘણી નાણાકીય બાબતો છૂપાવીને કરોડોની ગડબડી કરી હોવાની વાત સામે આવે છે. આવકવેરા વિભાગે અમુક જગ્યાએથી કોમ્પ્યુટર અને હાર્ડ ડિસ્ક પણ કબ્જે કરી છે જેમાંથી બે નંબરના વ્યવહારો સામે આવશે તેવી પુરી સંભાવના છે. બે દિવસ સુધી ચાલનારી તપાસમાં સુરત, અમદાવાદ, મહેસાણા,રાજકોટ, ભાવનગરની ટીમે પણ બેનામી સંપત્તિ, ટેક્સ ચોરી અને હિસાબો તૈયાર કરનાર ચાર્ટડ એકાઉન્ટને પણ ત્યાં તપાસ હાથ ધરી છે. મોડી રાત સુધી તપાસની કામગીરી ચાલુ રહી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer