ભાજપ-શિવસેનાને ‘સંઘ’ભાવનાની શીખ!

ભાજપ-શિવસેનાને ‘સંઘ’ભાવનાની શીખ!
પરસ્પર ઝઘડાથી બન્નેને નુકસાન : ભાગવતની ઈશારામાં સલાહ
મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉઠાપટક હજી પણ ચાલી રહી છે. ત્રણ વર્ષ જૂની ભાજપ અને શિવસેનાની મિત્રતા તૂટી ચૂકી છે. વિધાનસભા ચૂંટણી પરિણામને એક મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતા હજી પણ સરકારને લઈને સસપેન્સ છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ઈશારા ઈશારામાં ભાજપ અને શિવસેનાને સલાહ આપી છે. ભાગવતે કહ્યું હતું કે, પોતાના સ્વાર્થને ખૂબ ઓછા લોકો છોડે છે.
મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, બધા લોકો જાણે છે કે સ્વાર્થ ખરાબ વાત છે પણ પોતાના સ્વાર્થને ઓછા લોકો છોડે છે. તમામ માનવને ખબર છે કે પ્રકૃતિને નષ્ટ કરવાની આપણે બધા નષ્ટ થઈ જશું. તેમ છતા પ્રકૃતિને નષ્ટ કરવાનું કામ બંધ થયું નથી. પરસ્પર ઝઘડો પણ હાનિકારક છે પણ હજી ઝઘડા કરવામાં આવે છે. ભાગવતના આ નિવેદનને શિવસેના અને ભાજપ માટે સલાહના સંદર્ભમાં લેવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી પદ માટે એનડીએને વિધાનસભામાં બહુમત મળવા છતા શિવસેનાએ ભાજપનો સાથ છોડયો છે. બીજી બાજું ભાજપ તરફથી પણ દોસ્તીની કોઈ કોશિષ દેખાઈ રહી નથી. આ સમયમાં શિવસેના મોટાભાગના નિવેદનોમાં કહી રહી છે કે મુખ્યમંત્રી શિવસેનાના જ બનશે.
આ અગાઉ મહારાષ્ટ્ર સરકારના ગઠનમાં રસાકસી બાદ શિવસેનાએ મોહન ભાગવતે દરમિયાનગીરી માટે અપીલ કરી હતી. શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ આ મામલે એક પત્ર લખીને નિતિન ગડકરી અને ભાગવતને મધ્યસ્થતા માટે આગળ આવવા કહ્યું હતું. જો કે ગડકરીએ કહ્યું હતું કે, સરકારના ગઠન સાથે સંઘને કોઈ લેવાદેવા નથી. આ સમયે ફડણવીસ તરફ વારંવાર ફોન કરવામાં આવ્યા છતા ઉદ્ધવે તેનો જવાબ આપ્યો નહોતો અને શિવસેના કોટાના મંત્રી અરવિંદ સાવંતે એનડીએ સરકારમાંથી રાજીનામું આપ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer