ભાવનગરમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 10 વર્ષની કેદની સજા

ભાવનગર, તા.19: એકાદ વર્ષ પૂર્વે કુંભારવાડા, મોતી તળાવ વિસ્તારમાં રહેતા એક આધેડ શખસે છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી, જાનથી મારી નાખવાની ધામકી આપતા જેતે સમયે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ ભાવનગરની સ્પે.પોસ્કો કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી સામેનો ગુનો સાબિત માની 10 વર્ષની સખત કેદની સજા અને રૂા.15,000 રોકડ દંડ ફટકારેલ હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરનાં કુંભારવાડા, મોતી તળાવ વિસ્તારમાં રહેતા આરોપી અબુતાલીબ નુરમીંયા વાહેજ (ઉ.વ.પપ) નામના શખસે ભોગ બનનાર 6 વર્ષિય સગીરાને આરોપી અબુ તાલીબનાં ઘરે ટીવી જોવા જતી હોય, તે સમયે આરોપીએ તેનાં રૂમનો દરવાજો બંધ કરી દઇ, સગીરાની સાથે અવાર-નવાર બળાત્કાર કરી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કયો હતો. જે બનાવ અંગે સગીરાની માતાએ જે-તે સમયે સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
-----------
જામનગરના બે કારખાનામાં તસ્કરોનો
હાથફેરો: રોકડ-ડીવીઆર ઉઠાવી ગયાં
જામનગર, તા.19: જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા બે કારખાનાઓને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સીસીટીવી કેમેરા સહિતની માલમત્તાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસ દ્વારા તસ્કરોને પકડવા દોડધામ શરૂ કરાઇ છે. જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા ધ્વની એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં બન્યો હતો જ્યાં કોઈ તસ્કરોએ કારખાના પાછળના ભાગે એક્ઝોસ્ટ ફેનની જગ્યાએથી પ્રવેશ મેળવી લઈએ કારખાનામા સીસી ટીવી કેમેરાનું ડીવીઆર તેમાં જે ઓફિસના ખાનામાં રાખેલી રૂપિયા 28,000ની રોકડ રકમ વગેરેની ચોરી કરી લઇ ગયા હતા.  ચોરીના આ બનાવ અંગે કારખાનેદાર રોહિતભાઈ જયંતીભાઈ ભેંસદડીયાએ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જ્યારે  ચોરીનો બીજો બનાવ શંકર ટેકરી ઉદ્યોગનગરમાં ઇન્વેસ્ટમેન્ટ નામની ભાગીદારી પેઢીની ઓફિસમાં બન્યો હતો. જ્યાં આવેલી દિપકભાઈ  બાબુલાલભાઈ મહેશ્વરીની ઓફિસને કોઈ તસ્કરોએ નિશાન અને ઓફિસની બારીનો કાચ તોડી અંદર પ્રવેશ્યા હતાં. લાકડાના ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા 25 હજારની રોકડ રકમની ચોરી કરી લઇ ગયા હતા ચોરીના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરતા સીટી-સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer