સાવરકરને ભારતરત્ન મુદ્દે સરકારે કહ્યું, ઔપચારિક ભલામણ આવશ્યક નથી

સાવરકરને ભારતરત્ન મુદ્દે સરકારે કહ્યું, ઔપચારિક ભલામણ આવશ્યક નથી
ગૃહ મંત્રાલયે લોકસભામાં કહ્યું, સરકાર સમય આવ્યે નિર્ણય કરતી હોય છે
નવીદિલ્હી, તા.19: વીર સાવરકરને ભારતરત્નથી સન્માનિત કરવા મુદ્દે દેશમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેના માટે વચન પણ આપેલું ત્યારે આજે સરકાર તરફથી આ મુદ્દે અધિકૃત પ્રતિક્રિયા આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતરત્ન માટે ભલામણ થવી આવશ્યક નથી. સરકાર આ વિશે નિર્ણય કરી શકે છે.
લોકસભામાં ગૃહમંત્રાલયે આજે આપેલી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, ભારતરત્ન માટે નામો સૂચવાતાં રહે છે પણ તેનાં માટે ઔપચારિક ભલામણો જરૂરી બનતી નથી. સમય આવ્યે સરકાર આ સંબંધમાં નિર્ણય કરતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતરત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને પ્રતિવર્ષ વડાપ્રધાન તેના માટે રાષ્ટ્રપતિને નામોની ભલામણ કરતાં હોય છે. હિન્દુત્વ ઉપર પોતાનાં વિચારો માટે ચર્ચિત ક્રાંતિકારી વીર સાવરકર હિન્દુ મહાસભા સાથે જોડાયેલા હતા. હિન્દુત્વ વિચારધારાવાળા રાજકીય પક્ષો તેમને પોતાનો આદર્શ માને છે. શિવસેનાએ પણ તેમના માટે ભારતરત્નની માગણી એકથી વધુવાર ઉઠાવેલી છે.
ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા ઉઠાવાયેલા સવાલના જવાબમાં લોકસભાને આજે જણાવ્યું હતું કે, ભારતરત્ન માટે ભલામણો થતી હોય છે પણ તેની ઔપચારિકતા અનિવાર્ય નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer