અલંગ યાર્ડમાં જહાજ કટીંગ જડબેસલાક બંધ કરાયું!

અલંગ યાર્ડમાં જહાજ કટીંગ જડબેસલાક બંધ કરાયું!
શિપબ્રેકરો પર હુમલાને પગલે લેવાયેલો નિર્ણય: આજથી રાબેતા મુજબ યાર્ડ શરૂ
તળાજા, તા.14 (ફૂલછાબ ન્યુઝ): વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રાકિંગ યાર્ડના શિપબ્રેકરો પર હુમલાના પગલે આજે અલંગ શિપ બ્રાકિંગ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું. જહાજમાંથી નીકળતા માલના ખાડાઓમાં મિશ્ર પ્રતિસાદ રહ્યો. ટ્રક એસો.એ પણ બંધ પાળ્યો. જેના કારણે અલંગ સોસિયા યાર્ડ સુમસામ જોવા મળ્યું હતું.
અલંગ શિપબ્રાકિંગ યાર્ડના પ્રતિષ્ઠિત શિપબ્રેકરો જીવરાજભાઈ પટેલ, બટુકભાઈ માગુકીયા સહિતના પર વાહન ચલાવવા બાબતે થયેલ બુધેલ નજીક હુમલાના પગલે આજે અલંગ સોસિયા શિપ બ્રાકિંગ યાર્ડ બંધના એલાનના પગલે આજ સવારથી જ તમામ પ્લોટમાં જહાજ કટીંગની કામગીરી બંધ રહી હતી. જોકે સવારમાં ત્રણેક પ્લોટમાં જહાજ કટીંગની કામગીરી શરૂ છે તેવી વાત વહેતી થઈ હતી. પણ તે પ્લોટમાં પણ કટીંગની કામગીરી બંધ કરાવાઇ હતી.
ટ્રક એસોસિએશને પણ બંધને સમર્થન આપેલ હતું. ભાવનગર રેલી હોવાથી અલંગ જહાજ વાડામાંથી જે પરપ્રાંતીય મજૂરોને રેલીમાં જવું હોય તેના માટે ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી. અલંગ યાર્ડ બંધના પગલે રસ્તાઓ સુમસામ ભાસતા જોવા મળ્યા હતા. પો.સ.ઇ. મહેશ્વરીએ બંદોબસ્ત જાળવ્યો હતો.
તો બીજી તરફ શિપમાંથી નીકળતા માલસામાનનું વેચાણ કરતા ખડાઓ અમુક બંધને અમુક ચાલુ રહ્યાંનું સ્થાનિક વેપારીઓ એ જણાવ્યું હતું. જો કે શિપબ્રેકર પાસેથી જાણવા મળ્યુ હતું કે આવતી કાલથી રાબેતા મુજબ અલંગ યાર્ડમાં જહાજ કટીંગની કામગીરી શરૂ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer