માવઠાથી માઠી: કરાંથી કઠણાઈ: સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પવન સાથે 1 થી 4 ઇંચ

માવઠાથી માઠી: કરાંથી કઠણાઈ: સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પવન સાથે 1 થી 4 ઇંચ
અનેક સ્થળે ભારે કરાં વર્ષાથી બરફની ચાદર છવાઈ: ખેડૂતોની હાલત દયનીય
રાજકોટ, તા.14: હવામાન ખાતાની આગાહી મુજબ આજે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બપોરબાદ ઝંઝાવાતી પવન, ભારે ગાજવીજ સાથે કરાં પણ પડયાં હતાં. અનેક સ્થળેથી અડધાથી 4 ઇંચ સુધી વરસાદ પડયાના અહેવાલ છે. સૌથી વધુ કરાં સાથે 4 ઇંચ વરસાદ કલાણામાં પડયો હતો. જ્યારે ઢાંક, ધોરાજી, જામકંડોરણા પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ પડયાનું જાણવા મળે છે. માળિયા હાટીનાના અમરાપુરામાં વીજળી પડતા ભેંસનું મોત થયું હતું. અનેક યાર્ડમાં પડેલી હજારો ગુણી મગફળી પણ વરસાદને કારણે નુકસાન પામી છે.
ઢાંક: ઉપલેટાના ઢાંક ગામે બપોર બાદ ભારે ગાજવીજ તથા કરાં સાથે અડધા કલાકમાં બે ઇંચ વાસરદ પડી ગયો હતો. આ ભારે વરસાદે કપાસ, માંડવી તથા ચારાને વ્યાપક નુકસાન પહોંચાડયું છે.
મોટીમારડ: આ પંથકના પીપળિયા, વાડોદર, ભાદાજાળિયા વગેરે ગામોમાં બપોરે 3 વાગ્યાથી ભારે ગાજવીજ અને પવન સાથે એક ઇંચ વરસાદ પડતા કપાસ, મગફળી, અડદ સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ધ્રોલ: શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે પ વાગ્યા બાદ જોરદાર પવન અને ગાજવીજ સાથે એક કલાકમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. આ વરસાદથી ઉભા પાકને મોટું નુકસાન થયું હોય ખેડૂતોની સ્થિતિ વિકટ બની છે.
માળિયા હાટીના: બપોરબાદ પલટાયેલાં વાતાવરણમાં ગ્રામ્ય પંથકમાં વાડી વિસ્તારો ભાડ, રતળા, અમરાપુર, કાત્રાસા, વીરડી, જલંધર ગીર સહિતનાં સ્થળોએ અનરાધાર વરસાદ પડયો હતો. પાકને મોટાપાયે નુકસાન થયું છે. અમરાપુરમાં વીજળી પડતાં બળદનું મોત થયું હતું.
સડોદર: આજે સાંજે પ વાગ્યે અહીં ઝંઝાવાતી પવન સાથે ધોધમાર વરસાદ અને કરાં પડતાં મગફળીના પાથરા, ખેતરના પાક, કપાસ સહિત મોટું નુકસાન થયું છે. થોડી જ વારમાં એક ઇંચ પાણી વરસી ગયું હતું.
ધોરાજી: આજ બપોરે 3 વાગ્યા બાદ ભારે ગાજવીજ સાથે એક કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો. અનેક વિસ્તારોમાં કરાં પડયાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકો હાલાકીમાં મુકાયા હતા.
મોરબી: સૌરાષ્ટ્રમાં પલટાયેલાં વાતાવરણનાં પગલે આજે મોરબીમાં સતત બીજા દિવસે કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડયાં હતાં.
મોટીપાનેલી: બપોરના 4-30થી પ વાગ્યા સુધીમાં અડધો કલાકમાં જ અડધો ઇંચ પાણી વરસી જતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. પાક પર પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થવા પામ્યું છે. માંડાસણ ગામમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
ટંકારા: સાંજે 6 વાગ્યા બાદ જોરદાર પવન અને ગાજવીજ સાથે શરૂ થયેલાં વરસાદે પાકને નુકસાન પહોંચાડયું છે. રોહીશાળા, નેકનામ, મિતાણા, ઓરાળા,  બંગાવડી, લજાઇ સહિતનાં ગામોમાં આ પ્રકારે વરસાદ પડયો હતો.
જામકંડોરણા: સાંજે 4 વાગ્યા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ગુંદાસરી ગામે કરાં સાથે બે ઇંચ વરસાદ પડયો હતો. કપાસના પાકને આ વરસાદની ભારે નુકસાન પહોંચ્યું હતું.
કલાણા: કલાણા, છત્રાસા આસપાસનાં ગામોમાં બપોરના સમયે કમોસમી વરસાદ પડયો હતો. જેમાં કરાં સાથે 4 ઇંચ વરસાદ પડયાનું જાણવા મળે છે. કપાસના પાકમાં બારથી પંદર મણ કપાસ ઉભો હતો ત્યારે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા વ્યાપક નુકસાનના અહેવાલ છે.
ખંભાળિયા: અહીં એકાએક પલટાયેલાં વાતાવરણમાં વીસ મિનિટમાં અડધો ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. નજીકના રામનગર વાડી વિસ્તારમાં કરાનો વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારો, સલાયા માર્ગ પરનાં ગામો સહિતનાં ગામોમાં પણ વરસાદે ખેતરોમાં વ્યાપક નુકસાન નોતર્યું છે.
જૂનાગઢ: શહેરમાં અધડો કલાકમાં પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો. યાર્ડમાં 400 ગુણી મગફળી તથા કારખાનાઓ તથા રસ્તા પર મગફળી ભરેલાં વાહનો પલળી ગયાં હતાં. જ્યાં વંથલીના ગામડાઓમાં એકથી દોઢ ઇંચ વરસાદ થયો હતો.
જામનગર: શહેર અને જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા વિરામ લેવાનું નામ લેતા નથી. સાંજે 4 વાગ્યા પછી હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે જામનગર શહેર-જિલ્લામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. લાલપુર, કાલાવડ, ધ્રોલ પંથકમાં વેપારીઓના મગફળી તેમજ કપાસના પાકને નુકસાન થયું છે. કેટલાક વિસ્તારમાં કરાં પણ પડયાં હતાં. તોફાની પવનના કારણે કેટલાક ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યાં છે. જ્યારે હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો 1 હજાર ગુણી જેટલા મગફળીનો જથ્થો પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer