વાહનચાલકોની સ્મૂધ રાઈડ માટે ‘ધૂમ’ સ્પીડ સુધારા

વાહનચાલકોની સ્મૂધ રાઈડ માટે ‘ધૂમ’ સ્પીડ સુધારા
આજથી 221 ઈંઝઈંમાં નિકળશે લર્નિંગ લાયસન્સ : ડ્રાઈવીંગ લાયસન્સ રિન્યુઅલ સહિતની અન્ય 7 સેવાઓ હવે ઓનલાઈન
ગુજરાતના 16 ચેકપોસ્ટ નાબૂદ થશે: મુખ્યમંત્રી
અમદાવાદ, તા.14: ગુજરાતના કરોડો વાહનચાલકો માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની સરકારે ફાયદારૂપ એવા ત્રણ મહત્વના ઐતિહાસિક નિર્ણયો આજે જાહેર કર્યા હતા. મુખ્યમંત્રીએ આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ 16 ચેકપોસ્ટ આગામી તા.20 ને બુધવારથી નાબૂદ કરાશે ઉપરાંત આવતીકાલે તા.15થી વાહનચાલકો માટે લર્નિગ લાયસન્સની કામગીરી 221 આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ કરાશે  જ્યારે તા.25ને સોમવારથી 29 સરકારી પોલીટેકનીક ખાતેથી લર્નિગ લાયસન્સની કામગીરી શરૂ કરાશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દર વર્ષે 1.5 કરોડ વાહનો રજીસ્ટેશન થાય છે અને દર વર્ષે 90 લાખ વાહનો ચેકપોસ્ટ પર ઊભા રહે છે, જેમાં તંત્ર કામે લાગતું હતું તેથી સરળતા માટે 20 નવેમ્બરથી રાજ્યની તમામ 16 ચેકપોસ્ટો સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ચેકપોસ્ટ નાબુદીના ઐતિહાસિક નિર્ણયથી વેપાર-ઉદ્યોગોમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને ઉત્તેજન મળશે. વાહન વ્યવહારની ઝડપ વધશે, ઇંધણ અને સમયનો બગાડમાં ઘટાડો થશે. સમગ્ર દેશમાં ગુજરાત કદાચ પ્રથમ રાજ્ય છે કે જેણે તમામ ચેકપોસ્ટોને નાબૂદ કરી છે.
રૂપાણીએ કહ્યું કે, ચેકપોસ્ટ નાબૂદ થતાં વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફી ચૂકવણું ઓનલાઇન કરી શકશે. ચેકપોસ્ટ ઉપર કર અને ફીના ચૂકવણાંની આવક રૂા.332 કરોડ હતી જે હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે. આઠ રાજ્યોમાંથી ટ્રકો ગુજરાતમાં આવે છે જેથી ઓનલાઇનનો નિર્ણય લેતા પહેલા ગુજરાતના ટ્રક એસોસિએશન તેમજ બહારના રાજ્યોના ટ્રક એસોસિશનો સાથે લંબાણપૂર્વકની મીટિંગો કરી છે. જે મુજબ, હવે ગુજરાત બહારથી આવતી ટ્રકોનું પણ ઓનલાઇન કર અને ફીની ચૂકવણી લેવામાં આવશે. ઓવર ડાયમેન્શન કાર્ગો માટે વાહન અને માલની ફી ઓનલાઇન ચૂકવવાની રહેશે અને ઓનલાઇન જ એક્ઝેમ્પશન મેળવી શકાશે. જો કે ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, લર્નિગ લાયસન્સની કામગીરી હાલ 36 આર.ટી.ઓ.કચેરીએથી થતી હતી, આવતીકાલથી તે 221 આઇ.ટી.આઇ. ખાતેથી શરૂ કરાશે. હાલ દર વર્ષે 20 લાખ લર્નિગ લાયસન્સ નીકળે છે. તો 20 લાખ લોકોને આર.ટી.ઓ પર જવું પડે છે. અત્યાર સુધીમાં 13,000 લોકોએ લર્નિગ લાયન્સ માટે અરજી કરી હતી જેમાંથી 7000 લાયસન્સ ઇસ્યૂ પણ થયા છે. આગામી 25 દિવસમાં આ સિસ્ટમ સેટ પણ થઇ જશે. જિલ્લા મથકોએ 8 લાખ લોકોને લાયસન્સ લેવા માટે આવવું પડતું હતું જે હવે તાલુકા મથકેથી જ મળી શકશે. આ નવી વ્યવસ્થામાં અરજદારે કોઇ વધારાનું પેમેન્ટ કરવાનું રહેશે નહીં. અરજદારે પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન  પર જઇ અરજી અને ચૂકવણું ઓનલાઇન જ કરવાનું રહેશે. તા.25ના રોજ રાજ્યની 29 પોલીટેકનીક ખાતેથી લર્નિગ લાયસન્સની કામગીરી શરૂ કરાશે.
ક્યા ચેકપોસ્ટ બંધ થશે ?
(1) અંબાજી,
(2) અમીરગઢ,
(3) ગુંદરી,
(4) થાવર,
(5) થરાદ,
(6) સામખિયાળી,
(7) જામનગર,
(8) શામળાજી,
(9) દાહોદ,
(10) ઝાલોદ,
(11) છોટાઉદેપુર,
(12) સાગબારા,
(13) કપરાડા,
(14) ભિલાડ,
(15) સોનગઢ
(16) વઘઇ

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer