સબરીમાલાનો મામલો સુપ્રીમની મોટી ખંડપીઠને હવાલે

સબરીમાલાનો મામલો સુપ્રીમની મોટી ખંડપીઠને હવાલે
મોટી પીઠ નિર્ણય ન આપે ત્યાં સુધી મહિલાઓનાં મંદિર પ્રવેશનો આદેશ યથાવત અમલી
નવીદિલ્હી, તા.14: સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓનાં પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટમાં કોઈ અંતિમ ફેંસલો આવ્યો નથી. સર્વોચ્ચ અદાલતે પાંચ જજોની બનેલી પોતાની ખંડપીઠનાં ચુકાદામાં ફેરવિચાર માગતી અરજીઓ આજે મોટી એટલે કે 7 જજોની પીઠને હસ્તાંતરિત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની મોટી ખંડપીઠ કોઈ નિર્ણય ઉપર ન આવે ત્યાં સુધી 2018નો સુપ્રીમ કોર્ટનો આદેશ યથાવત રહેશે એટલે કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો નિર્ણય હાલતુર્ત જૈસે થે જ રાખવામાં આવ્યો છે.
સબરીમાલા મંદિરમાં સુપ્રીમ કોર્ટે મહિલાઓને પ્રવેશ આપવા અંગે અગાઉ આપેલા આદેશ અંગે પુનર્વિચારની માગણી કરતી અરજીઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની અધ્યક્ષતામાં બનેલા પાંચ ન્યાયમૂર્તિઓની બંધારણીય ખંડપીઠે સાંભળી હતી અને તેની સુનાવણી ફેબ્રુઆરીમાં પૂરી થઈ ગઈ હતી ત્યાર બાદ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખી લીધો હતો.
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવાનો આદેશ કર્યો હતો. જેને પગલે કેરળમાં ભારે હિંસક વિરોધ પણ થયો હતો. હવે કુલ મળીને 6પ અરજીઓને સર્વોચ્ચ અદાલતે વધુ મોટી ખંડપીઠને સુપરત કરી દીધી છે અને પોતાનો અગાઉનો આદેશ યથાવત અમલી ગણાવ્યો છે ત્યારે ફરી એકવાર વિરોધ ફાટી નીકળવાની આશંકાએ કેરળ પોલીસ અગાઉથી જ હાઈએલર્ટ ઉપર રાખવામાં આવેલી છે.
આજે કરવામાં આવેલો નિર્ણય સુપ્રીમ કોર્ટની પીઠનો સર્વાનુમતે લેવામાં આવેલો નિર્ણય નથી. આજે 3 સામે 2નાં બહુમતથી અરજીઓ મોટી પીઠને મોકલવાનો નિર્ણય થયો છે. જસ્ટિસ નરિમન અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે મોટી ખંડપીઠને મામલો સુપરત કરવાની વિરુદ્ધ પોતાનો નિર્ણય આપ્યો હતો.
--------
તમામ ધર્મસ્થાનોમાં મહિલા પ્રવેશ બાબતે સામાન્ય નીતિ હોવી જોઈએ: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે આજે સબરીમાલાનો કેસ મોટી ખંડપીઠને સોંપવાની સાથે સ્પષ્ટ કર્યુ હતું કે, આ મામલો ધર્મસ્થાનોમાં
પણ ફક્ત મંદિરમાં મહિલા પ્રવેશ સુધી સીમિત નથી. તેમાં મસ્જિદમાં મહિલાઓનો પ્રવેશનો મુદ્દો પણ સમાવિષ્ઠ છે. ધાર્મિક સ્થળોમાં મહિલાઓનાં પ્રવેશનાં આ મામલે કોઈ સર્વસામાન્ય નીતિ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટની મોટી પીઠ સબરીમાલા અને મસ્જિદો ઉપરાંત દાઉદી વહોરા સમાજમાં પ્રવર્તતી ખતનાની પ્રથાનાં વિષયે પણ વિચારણા કરશે.
----------
36 નારી દ્વારા પ્રવેશ માટે ઓનલાઈન બુકિંગ
પૂણે/થિરુવનંથપુર તા.14: સબરીમાલા મંદિરના મામલે સર્વોચ્ચ અદાલતના 7 જજની બેન્ચ ચુકાદો આપે ત્યાં સુધી મહિલાઓને આ મંદિરમાં પ્રવેશ અપાવો જોઈએ એમ મહિલાઓના અધિકારો માટેના પૂણે સ્થિત ચળવળકાર તૃપ્તિ દેસાઈએ આજે જણાવ્યુ હતું. પોંતે તા. 16મીએ આ મંદિરમાં દર્શન કરવા જશે એવો તેમણે સંકલ્પ કર્યો છે. દરમિયાન સબરીમાલાની બે માસ લાંબી સીઝન રવિવારથી શરૂ થતી હોઈ 36 મહિલાઓએ મંદિરમાં જવાની ઓનલાઈન બુકિંગ મારફત રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer