રાફેલ સામે કાનૂની મોરચો ફરી ફેઈલ

રાફેલ સામે કાનૂની મોરચો ફરી ફેઈલ
સુપ્રીમ કોર્ટે તેના જ ચુકાદાની સમીક્ષાની માગ કરતી અરજીઓ ફગાવી; એફઆઇઆર નોંધવાની માગ પણ ફગાવતાં કહ્યું, વજૂદ જ નથી
નવી દિલ્હી, તા. 14 :  દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે રાફેલ યુદ્ધ વિમાન સોદા પર તેના ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓ ફગાવી દેતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને બીજીવાર ક્લીનચીટ આપી દીધી હતી અને  આ ફ્રેન્ચ યુદ્ધ વિમાન સોદા મામલે સરકાર પર પ્રહાર કરતાં વિરોધી દળોને ઝટકો આપ્યો છે.
રાફેલ સોદા પરના ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓમાં કોઇ વજૂદ નહીં હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. સાથોસાથ 58 હજાર કરોડના આ સોદાના સંબંધમાં એફઆઇઆર નોંધવાની જરૂર છે તેવી દલીલ પણ ટોચની અદાલતે આજે ફગાવી દીધી હતી.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિઓ એસ.કે. કૌલ અને કે.એમ. જોશેફને સમાવતી ખંડપીઠે જણાવ્યું હતું કે, સમીક્ષા અરજીઓમાં કોઇ વજૂદ નહીં હોવાનું જણાઇ રહ્યું છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહા, અરુણ શૌરી તેમજ કાર્યકર વકીલ પ્રશાંત ભૂષણ સહિત કેટલાક અન્યોએ કરેલી અરજીમાં 36 રાફેલ યુદ્ધ વિમાનો ફ્રાન્સ પાસેથી ખરીદવાની નિર્ણય પ્રક્રિયા પર શંકા કરવાનો કોઇ આધાર નથી, તેવા 14મી ડિસેમ્બર, 2018ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનાં પુન: પરીક્ષણની માંગ કરાઇ હતી.
ચુકાદો વાંચતાં જસ્ટિસ કૌલે ક્યું હતું કે,  અરજદારો દ્વારા કરાયેલા આરોપોના આધારે તપાસનો આદેશ આપવા યોગ્ય નથી દેખાતો તેવું સમગ્ર અરજીઓના અભ્યાસ પરથી ન્યાયમૂર્તિઓને જણાયું છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ કરાયેલી અરજીઓમાં રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના આરોપો કરાયા હતા. સાથે ‘લીક’ દસ્તાવેજોના આધારે આરોપ મુકાયા હતા કે વડાપ્રધાન કાર્યાલયે સંરક્ષણ મંત્રાલયને વિશ્વાસમાં લીધા વગર સોદાની વાતચીત કરી હતી.
ન્યાયમૂર્તિ જોશેફે જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો સવાલ છે. દુનિયાની કોઇ પણ અદાલત આ પ્રકારના તર્કોના આધાર પર સંરક્ષણ સોદાની તપાસ નહીં કરે.
ખાસ ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી દરમ્યાન પણ રાફેલ યુદ્ધ વિમાન સોદાનો મામલો રાજકીય યુદ્ધનાં કેન્દ્રમાં રહ્યો હતો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ સોદાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર  ભારે પ્રહારો કર્યા હતા. તેમણે મોદીને ચોકીદાર ચોર છે, તેવું પણ કહી નાખ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં ફ્રેન્ચ યુદ્ધ વિમાન રાફેલની ખરીદી અંગે બે જનહિતની અરજી પણ દાખલ કરાઇ હતી જેમાં ભ્રષ્ટાચારના આરોપોની સાથોસાથ યુદ્ધ વિમાનની કિંમત, કરાર અને કંપનીની ભૂમિકા પર સવાલ ખડા કરાયા હતા.
----------
રાફેલ અંગે કયુરેટીવ પીટિશન નહીં કરીએ: પ્રશાંત ભૂષણ
નવી દિલ્હી, તા.14: રાફેલ મામલે સુપ્રિમ કોર્ટમાં પુનર્વિચાર અરજી નીકળી ગયા બાદ અરજદાર પ્રશાંત ભૂષણે મીડિયાને કહ્યું હતું કે, અમે કયુરેટીવ પીટિશન દાખલ નહીં કરીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આજે સુનાવણી દરમિયાન 3 જજોમાંથી એકે કહ્યું હતું કે એજન્સીએ અમારા તરફથી ફરિયાદ મળ્યા બાદ યોગ્ય પગલું ભરવું જોઇએ. આજે સુપ્રિમ કોર્ટે રાફેલ સોદા અંગે ચૂકાદો આપતા જણાવ્યું હતું કે તે પુનર્વિચાર અરજી કાઢી નાંખે છે. આની સાથોસાથ સીબીઆઇ તપાસ અંગે પણ કોર્ટે ઇન્કાર કર્યો છે. આ કેસ સાથે જોડાયેલા રાહુલ ગાંધીના મામલામાં પણ કોર્ટે તેમનું માફીનામું સ્વીકારી લીધું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer