એઈમ્સનો એન્ટ્રી ગેટ ખંઢેરીના બદલે પરા પીપળીયાથી રખાશે

દિલ્હીથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આર્કીટેક્ટ ટીમે કરી સ્થળ મુલાકાત : રેલવે તરફથી મળી ઓવરબ્રીજની મંજૂરી
રાજકોટ, તા.7 : રાજકોટ શહેરમાં જામનગર રોડ પર સરકારી ખરાબામાં નિર્માણ પામનાર એઈમ્સ હોસ્પિટલની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે મુખ્યમંત્રીએ નિર્માણકાર્ય શરૂ કરવા માટે માર્ગદર્શન આપ્યા બાદ આજે દિલ્હીથી આરોગ્ય વિભાગના અધિકારીઓ આર્કીટેક્ટની ટીમ રાજકોટ આવી હતી અને સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં એઈમ્સનો એન્ટ્રી ગેટ ખંઢેરીના બદલે હવે પરા પીપળીયાથી રાખવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત એઈમ્સ તરફ જવાના રસ્તે રેલ્વેના અડચણરૂપ પાટા પર ઓવરબ્રીજ બનાવવા માટેની પણ મંજુરી
મળી ગઈ છે.
રાજકોટમાં એઈમ્સના નિર્માણ માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જ્યાં સુધી ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં ન આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી થઈ શકે તેમ ન હતી. ડીપીઆર બનાવવામાં ન આવે ત્યાં સુધી રસ્તા સહિતની પાયાની માળખાગત સુવિધાઓ તૈયાર કરી દેવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયું હતું અને ખંઢેરી નજીકથી એન્ટ્રી ગેટ મળશે તેમ માનીને આયોજન કરાયું હતું. પરંતુ દિલ્હીથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને આકિર્ટેક્ટ શૈલેન્દ્ર કુમાર, સુમેર દાર સહિતના અધિકારીઓએ એન્ટ્રી ગેટ ખંઢેરીના બદલે પરા પીપળીયાથી રાખવા માટે જણાવ્યું હતું. આગામી ટુંક સમયમાં જ આ તમામ બાબતો નક્કી થઇ જશે અને ત્યાર બાદ રસ્તા સહિતના કામ હાથ ધરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર સુશ્રી રેમ્યા મોહને આ પ્રોજેક્ટ અંગે વધુમાં જણાવ્યું હતુ કે, એઈમ્સ માટેની જમીનના સંપાદન માટે બાકી રહેલા એક ખેડૂતને રકમ નક્કી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રેલ્વેને ઓવરબ્રીજ માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેથી હવે રૂ.91 કરોડના ખર્ચે એઈમ્સ તરફ જવાના રસ્તે રેલ્વે પાટા પર ઓવરબ્રીજ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer