સ્ટેન્ડિંગમાં 127 કરોડના વિકાસકામો મંજૂર

વરસાદને લીધે ધોવાઈ ગયેલા રસ્તાઓના રિપેરીંગ માટે રૂ.25 કરોડની પણ મંજૂરી
રાજકોટ તા.7 : નૂતન વર્ષના પ્રારંભ બાદ પ્રથમ વખત મનપામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન ઉદય કાનગડે રૂ.127.76 કરોડના કામ મંજૂર કર્યા હતાં. સિવિલ હોસ્પિટલ ચોકમાં 84.71 કરોડના ખર્ચે ત્રિકોણીય ફલાયઓવર સહિતની એજન્ડા પર રહેલી દરખાસ્તો ઉપરાંત ત્રણ અરજન્ટ દરખાસ્તમાં આ ચોમાસામાં ધોવાઈ ગયેલા ડામર રોડ નવા બનાવવા પણ રૂ.25 કરોડ મંજૂર કરી દેવાયાની માહિતી ચેરમેને જાહેર કરી છે.
શહેરમાં આ વર્ષે મેઘકૃપા વરસી છે અને અધધ..63 ઈંચ આસપાસ વરસાદ પડયો છે ત્યારે વરસાદને પગલે મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. મ્યુનિ.તંત્રએ વોર્ડવાઈઝ શહેરના રસ્તાઓને અડધા અબજથી વધુનું નુકશાન થયું હોવાનો રાજ્ય સરકારને રિપોર્ટ મોકલ્યો હતો. આ રસ્તાઓ રિપેર કરવા મુખ્યમંત્રી રૂપાણીએ રૂ.25 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી. ત્રણે ઝોનમાં આ ખાસ ગ્રાન્ટના કામમાં નવા ડામર રોડ બનાવવાના છે. જેની વોર્ડવાઈઝ યાદી અધિકારીઓ દ્વારા બનાવવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં બે એજન્સી કામ માટે લાયક ઠરી હતી. જેમાં કલાસીક નેટવર્કના ભાવ 13.68 ટકા ઓછા આવતા આ એજન્સીને કામ અપાયું છે. હવે તુરંતમાં વરસાદથી નુકશાન પામેલા ત્રણે ઝોનના રસ્તા પર ડામર કામ શરૂ થઈ જશે તેમ ચેરમેને અંતમાં જણાવ્યું હતું.
દરમિયાન આજની બેઠકમાં સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ફલાય ઓવરના નિર્માણ માટે 43 ટકા ઓન સાથે રૂ.84.71 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. આ ઉપરાંત રસ્તા કામ માટે 25.36 કરોડ, ફાયરબ્રીગેડ માટે વાહનો ખરીદવા 2.60 કરોડ, ઝુમાં બેટરી કાર માટે 12.60 લાખ, પંપીંગ સ્ટેશનોના સંચાલક માટે 1.41 કરોડ, જુદા જુદા વોર્ડમાં પેવીંગ બ્લોકના કામ માટે 1.63 કરોડ, એનીમલ હોસ્ટેલ માટે 34 લાખ, ફૂટપાથ માટે 2.05 કરોડ, સફાઈ વિભાગના કોન્ટ્રાકટ માટે 9 કરોડ, હાઈસ્કુલના છાત્રો માટે સ્કૂલ બેગ ખરીદવા 8.82 લાખ સહિત કુલ 33 દરખાસ્તોને લીલીઝંડી આપવામાં આવી હતી.
હોસ્પિટલ ચોક બ્રિજમાં 43% ઓન સામે વિપક્ષનો વિરોધ
કોર્પોરેશનની આજની સ્ટેન્ડિંગ બેઠકમાં વિપક્ષના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામનારા બ્રિજનું કામ ઓનથી આપવા સહિતની ત્રણ દરખાસ્તોમાં વિરોધ નોધાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે ત્રિ-કોણિય ઓવરબ્રિજનું કામ પ્રશંસાને પાત્ર છે પરંતુ આ બ્રિજના કારણે જે વેપારીઓ અને નાગરિકોને કપાત નડવાની છે તેઓને પૂરતુ વળતર આપવું જરૂરી છે. આ ઉપરાંત મનપાના મૂળ એસ્ટિમેટ રૂ.59.23 કરોડની સામે એજન્સીએ 43 ટકા ઓન સાથે કામ કરવાની સહમતી દર્શાવતા આ ખર્ચ રૂ.84.71 કરોડ આસપાસ પહોંચ્યો છે તેની સામે પણ વિરોધ છે. આ ઉપરાંત કૈલાશપાર્ક શેરી નં.1થી 13 અને ગાંધીનગર શેરી નં.1થી 8માં જન ભાગીદારી હેઠળ પેવીંગ બ્લોકનું કામ કરવામાં પણ અનુક્રમે 13 ટકા અને 21 ટકા ઓન મંજુર કરાઈ છે. કુલ એકાદ કરોડનું આ કામ છે. આ વધારાના ખર્ચની દરખાસ્તનો પણ તેમણે વિરોધ કર્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer