BAPS મંદિરમાં આજે રચાશે શાકની હાટ

BAPS મંદિરમાં આજે રચાશે શાકની હાટ
આજે દેવ દિવાળી, પ્રબોધિની એકાદશી
રાજકોટ, તા.7:  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર,  કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજ છેલ્લા 10 દિવસથી દર્શન અને સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત  તા.8-11-2019ના દિવસે પ્રબોધિની એકાદશી નિમિતે શાક હાટડી ઉત્સવ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સવારે 5:30થી 8:30 દરમ્યાન ઉજવાશે.
દેવ દિવાળી તેમજ પ્રબોધિની  એકાદશીના  દિવસે ભગવાન સમક્ષ શાકભાજી અને ફળોની હાટડી ધરાવવામાં આવે છે. ચોમાસા દરમ્યાન સૂર્ય પ્રકાશનો અભાવ અને ભારે વરસાદને લીધે શાકભાજીઓમાં જીવ જંતુઓ અને બેક્ટેરિયા ઉછરે છે. આ દિવસે જે શાકભાજીનો પાક લેવામાં આવે છે તે તાજા અને પ્રમાણમાં તંદુરસ્ત હોય છે. તેથી જ આ શાકભાજી સૌપ્રથમ ભગવાનને ધરાવવામાં આવે છે. આજના પ્રબોધિની એકાદશીના દિવસે નિર્જળ ઉપવાસ નું પણ અતિ મહત્વ છે. આજનો દિવસ એટલે પરમ પવિત્ર એવા ચાતુર્માસની પૂર્ણાહુતિ. અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ દરમિયાન શ્રી વિષ્ણુ ભગવાન ક્ષીરસાગર માં પોઢે છે, તે આ દિવસે જાગ્રત થાય છે. એવી કથા છે કે, ભગવાને શંખાસુરનો અષાઢ માસમાં વધ કર્યો અને તેનો થાક ઉતારવા ક્ષીર સાગરમાં પોઢયા હતા. આ નિંદ્રામાંથી ભગવાન જાગે છે તેથી ભક્તો આનંદોત્સવ કરે છે. આ દિવસે તુલસીવિવાહનો આરંભ થાય છે. આ દિવસે  ચાતુર્માસમાં આરંભેલા વ્રતનો અવધિ
આવે છે. આજના દિવસે બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે સવારે 5:30થી10:00 વાગ્યા સુધી ભગવાન સમક્ષ શાકનો એક ભવ્ય હાટ રચવામાં આવશે. જેના દર્શનનો લાભ પ્રાપ્ત કરવા માટે રાજકોટના ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer