મહિલા ટીમની વિન્ડિઝ સામે વનડે શ્રેણીમાં જીત

મહિલા ટીમની વિન્ડિઝ સામે વનડે શ્રેણીમાં જીત
અંતિમ મેચમાં સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્ઝ છવાઈ
નોર્થ સાઉન્ડ, તા. 7 : ટીમમા વાપસી કરનારી સ્મૃતિ મંઘાના અને જેમિમા રોડ્રિગ્ઝની અર્ધસદીની મદદથી ભારતીય મહિલા ટીમે નિર્ણાયક ત્રીજા વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી છે. ઈજાના કારણે પહેલા બે મેચમાં બહાર મંધાનાએ શાનદાર વાપસી કરતા 63 બોલમાં 74 રન કર્યા હતા અને રોડ્રિગ્ઝ સાથે 141 રનની ભાગીદારી કરી હતી.
રોડ્રિગ્ઝે 92 બોલમાં 69 રન કર્યા હતા. ભારતે 195 રનનું લક્ષ્યાંક 42.1 ઓવરમાં મેળવ્યું હતું. આ અગાઉ ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને 50 ઓવરમાં 194 રનમાં આઉટ કર્યું હતું. ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ 30 રન આપીને બે અને લેગ સ્પિનર પૂનમ યાદવે 35 રન આપીને બે વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે સ્ટેફની ટેલરે 79 રન કર્યા હતા. જો કે બીજા છેડે સાથ મળ્યો નહોતો. એટાસી અન કિંગે 45 બોલમાં 38 રન કર્યા હતા.
------------
સ્મૃતિ મંધાનાએ વિન્ડિઝમાં રચ્યો વિક્રમ : કોહલીને પાછળ છોડયો
વનડેમાં સૌથી ઝડપી 2000 રન પુરા કરનારી ભારતીય ખેલાડી બની
એન્ટિગા, તા. 7 : ભારતીય મહિલા  ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ પોતાના 51મા વનડે મેચમાં ઈતિહાસ રચ્યો છે. સ્મૃતિ વનડેમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનારી ભારતીય મહિલા ક્રિકેટર બની છે. રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો સૌથી ઝડપી 2000 રન કરવામાં સ્મૃતિ વિરાટ કોહલીથી પણ આગળ છે.
વેસ્ટ ઈન્ડિઝ સનમેના ત્રીજા અને અંતિમ વનડે મેચમાં 74 રનની ધમાકેદાર ઈનિંગ રમીને સ્મૃતિ મંધાનાએ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. મેચમાં સ્મૃતિએ 74 રન કર્યા હતા અને રોડ્રિગ્ઝ સાથે 141 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. સ્મૃતિએ 2000 રન 51 મેચમાં પૂરા કર્યા છે. આ સથે વિશ્વમાં સૌથી ઝડપી 2000 રન કરનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા ક્રમાંકે પહોંચી છે. તેની આગળ ઓસ્ટ્રેલિયાની બેલિંડા ક્લાર્ક અને મેગ લેનિંગ છે. સ્મૃતિ મંધાનાએ 51 વનડે મુકાબલામાં 43.08ની સરેરાશથી 2025 રન કર્યા છે. જેમાં ચાર સદી અને 17 અર્ધસદી સામેલ છે. મંધાના ઉપરાંત શિખર ધવન એકમાત્ર ભારતીય છે જેના નામે ઝડપી 2000 રનનો રેકોર્ડ છે. ધવને 48 ઈનિંગમાં વિક્રમ સ્થાપિત કર્યો હતો. જ્યારે કોહલીએ 53 મેચમાં 2000 રન પૂરા કર્યા હતા.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer