રાજકોટમાં રોહિતના ઝંઝાવાત સામે બંગલાદેશ ફુંકાયું

રાજકોટમાં રોહિતના ઝંઝાવાત સામે બંગલાદેશ ફુંકાયું
બંગલાદેશે આપેલા 154 રનના લક્ષ્યાંકને ભારતે 15.4 ઓવરમાં પાર પાડયું : રોહિતે 100મો ટી20 યાદગાર બનાવતી 85 રનની આતશી ઈનિંગ રમી
 
રાજકોટ, તા. 7 : દિલ્હીમાં રમાયેલા ટી20 મેચમાં મળેલી હાર બાદ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલા શ્રેણીના બીજા ટી20મા ભારતે બંગલાદેશને આસાનીથી 8 વિકેટે હરાવીને 1-1થી બરાબરી કરી હતી. બંગલાદેશ તરફથી મળેલા 154 રનના લક્ષ્યાંક સામે કેપ્ટન રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી અને ચોગ્ગા છગ્ગાની રમઝટ સાથે માત્ર 43 બોલમાં 85 રન ઝુડી કાઢ્યા હતા અને પોતાનો 100મો ટી20 મેચ પણ યાદગાર બનાવ્યો હતો. ખીચોખીચ ભરેલા રાજકોટના સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓના દરેક રન સાથે ભારે રોમાંચ જોવા મળી રહ્યો હતો. જો કે રોહિત શર્માની સદી ન થઈ તેનો રાજકોટના ક્રિકેટ રસિકોને અફસોસ રહ્યો હતો.
પહેલા બેટિંગમાં ઉતરેલી બંગલાદેશની ટીમે આપેલા 154 રનના લક્ષ્યાંક સામે રોહિત શર્મા અને શિખર ધવને મજબુત શરૂઆત કરી હતી. એક તરફ શિખર ધવને વિકેટ જાળવી રાખી હતી. તો બીજા છેડે રોહિત શર્માએ આક્રમક રમત બતાવતા ઝડપી રન એકત્રિત કર્યા હતા. જેમાં ઉપરા ઉપરી ત્રણ છગ્ગા મારીને મેદાનમાં દર્શકોને ઉત્સાહથી ભરી દીધા હતા. ભારતની પહેલી વિકેટ શિખર ધવનના રૂપમાં ગઈ હતી. શિખર ધવન 118 રનના કુલ સ્કોરે અમીનુલ ઈસ્લામના બોલમાં બોલ્ડ થયો હતો. શિખર ધવને 27 બોલમાં 31 રન કર્યા હતા. ત્યાર બાદ રોહિત શર્મા છગ્ગો ફટકારવાના પ્રયાસમાં 85 રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. જો કે રોહિત શર્મા આઉટ થયો પણ ટીમની જીત તેણે સુનિશ્ચિત કરી હતી. શર્મા બાદ શ્રેયસ અય્યરે  3 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 24 રન કર્યા હતા અને ભારતે 15.4 ઓવરમાં બે વિકેટના નુકસાને સરળ જીત મેળવી લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer