દેશમાં 4 હજાર જજના માથે છત નથી !

દેશમાં 4 હજાર જજના માથે છત નથી !
નવી દિલ્હી, તા. 7 : ભારત દેશમાં અત્યારે 18,200 જેટલા ન્યાયમૂર્તિ છે. લગભગ 23 ટકા ન્યાયાધીશના પદ ખાલી છે. દેશભરમાં 4071 કોર્ટ રૂમની અછત છે. મતલબ કે હજારો ન્યાયમૂર્તિઓના માથા પર છત જ નથી, જેની નીચે બેસીને સુનાવણી કરી શકે, કે ફેંસલા આપી શકે.
ઈન્ડિયા જસ્ટિમ રિપોર્ટ-2019 મુજબ, દેશમાં કુલ 23,754 અદાલતો જરૂરી છે, જેમાં 18 ટકાની અછત છે. દેશમાં અદાલતોના નિર્માણની ગતિ ઘણી ધીમી છે.
આમ થવા પાછળ બજેટની અછત પણ એક કારણ છે. કોર્ટ રૂમની અછતના કારણે જજની ભરતીની પ્રક્રિયાને અસર થાય છે, જેના પગલે પડતર કેસોના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે.
દેશના 30માંથી 11 રાજ્ય એવાં છે, જ્યાં જરૂરી ન્યાયમૂર્તિના પદોની તુલનાએ કોર્ટ રૂમ 10 ટકાથી પણ ઓછા છે. લગભગ 24 રાજ્યમાં ન્યાયમૂર્તિઓની જરૂરી સંખ્યા સામે અદાલતો ઘણી ઓછી છે. નાની અને મોટી અદાલતોમાં કેસના નિવેડામાં સરેરાશ 2.7થી 9.5 વર્ષનો વિલંબ થાય છે.
દેશના 18 મોટા અને મધ્યમ કદના રાજ્યોમાં હાઈકોર્ટ ન્યાયમૂર્તિના સ્વીકૃત ચારમાંથી એક પદ એટલે કે, 25 ટકા પદ ખાલી છે.
આખા દેશના જીડીપીના 0.08 ટકા હિસ્સો જ ન્યાયતંત્રની વ્યવસ્થાઓ પાછળ ખર્ચાય છે. દેશના મોટા ભાગના રાજ્યો તેમના બજેટનો માત્ર 1 ટકા હિસ્સો ન્યાય પાલિકા પાછળ ખર્ચે છે.
--------
મહારાષ્ટ્રની ન્યાય વ્યવસ્થા દેશમાં શ્રેષ્ઠ, યુપીની સૌથી ખરાબ
દેશમાં સૌથી શ્રેષ્ઠ ન્યાય વ્યવસ્થા મહારાષ્ટ્રમાં હોવાનું પુરવાર થયું છે. દેશનાં 18 મોટા અને મધ્યમ કદનાં રાજ્યોમાં મહારાષ્ટ્રનું ન્યાયતંત્ર સૌથી સારું ઉપસી આવ્યું છે. કાયદા વ્યવસ્થાનાં આંકમાં મહારાષ્ટ્ર પછી કેરળ, તામિળનાડુ, પંજાબ અને હરિયાણાનો ક્રમ આવે છે. તો નાના રાજ્યોમાં ગોવા નંબરવન સાબિત થયું છે. બીજા ક્રમે સિક્કિમ અને હિમાચલ પ્રદેશ છે. તો દેશમાં ઉત્તરપ્રદેશનું ન્યાયતંત્ર સૌથી ખરાબ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ત્રિપુરા અને અરુણાચલનાં ક્રમ સૌથી ખરાબ ન્યાયતંત્રમાં આવ્યા છે.
8 રાજ્યમાં તમામ કેસનો નિકાલ
2016 અને 2017માં દેશનાં માત્ર 8 રાજ્ય એવા હતાં જ્યાં કોર્ટમાં દાખલ થયેલા તમામ કેસની પતાવટ થઈ ગઈ હતી. આ રાજ્યોમાં ગુજરાત, દમણ-દીવ, દાદરા નગર હવેલી, ત્રિપુરા, ઓરિસ્સા, લક્ષદ્વીપ, તામિળનાડુ અને મણિપુરનો સમાવેશ થાય છે. ઓગસ્ટ 2018માં બિહાર, યુપી, પ.બંગાળ, ઓરિસ્સા, ગુજરાત, મેઘાલય અને અંદામાન નિકોબારમાં દર ચારમાંથી એક કેસ પાંચ વર્ષ કરતાં વધુ સમયથી પડતર હોવાનું સામે આવ્યું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer