ચુકાદા પહેલા અયોધ્યામાં ખાલી કરાવાશે મંદિરો, ધર્મશાળાઓ

ચુકાદા પહેલા અયોધ્યામાં ખાલી કરાવાશે મંદિરો, ધર્મશાળાઓ
યુપી સરકારે છ હજાર તોફાની તત્વોને તારવ્યા: કેન્દ્રના ગૃહખાતાએ ઉત્તરપ્રદેશ સરકાર માટે સુરક્ષા નિર્દેશ બહાર પાડયા
નવી દિલ્હી, તા.7: અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદના મામલામાં સુપ્રિમ કોર્ટનો ચૂકાદો જલ્દી આવી જવાની ધારણા છે. આથી કેન્દ્રના ગૃહખાતાએ ઉત્તરપ્રદેશ સરકારને તમામ સુરક્ષા તૈયારીઓને સુનિશ્ચિત કરવા માટે આગ્રહ કર્યો છે. કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા અને કોઇપણ અપ્રિય ઘટનાને રોકવા માટે અગ્રતાના ધોરણે અયોધ્યાને કોઇ  કિલ્લાની જેમ બદલવામાં આવશે. તો બીજીબાજુ યુપી સરકારે ચૂકાદા પછી ઉપદ્રવ ફેંલાવી શકે તેવા 6 હજાર લોકોને ચિહ્નિત કર્યા છે. આટલું જ નહીં અનેક ધર્મશાળાઓ અને મંદિરો પણ ખાલી કરાવવામાં આવશે. ત્યાં સ્થાનિકો સિવાય કોઈ બહારી લોકોને રહેવાની છૂટ મળશે નહીં.
આતંકીઓના જોખમ અંગે જાસૂસી સંસ્થાઓનો હવાલો આપતા ગૃહખાતાએ કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાના આદેશ ઉપર ગયા અઠવાડિયે ઇસ્યુ કરેલ એક પરિપત્રના માધ્યમથી યુપી સરકારને સાવચેત કરી છે.
યુપી સરકારને પોલીસ દળની અધિકતમ તૈનાતીનો આદેશ આપવામાં આવ્યો છે. સોશ્યલ સાઇટ ઉપર કોઇ અફવા ન ફેલાવે તે માટે તેના ઉપર નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.
અયોધ્યામાં એક સાર્વજનિક સંબોધન પ્રણાલી (પબ્લિક એડ્રેસ સિસ્ટમ) પણ ઉભી કરવાનું જણાવાયું છે. એવી આશંકા છે કે અસામાજિક તત્વો લોકોની ધાર્મિક ભાવનાઓને ભડકાવી શકે છે એટલા માટે પરિપત્રમાં ઉત્તરપ્રદેશ સરકારને રાજ્યમાં અત્યાધિક સંવેદનશીલ વિસ્તારો ઉપર નજર રાખવા અને વિશિષ્ટ સ્થાનો ઉપર પોલીસ દળ તૈયાર રાખવા કહેવાયું છે.
----------
નાહકના નિવેદનોથી દૂર રહેવા મંત્રીઓને મોદીની તાકીદ
નવી દિલ્હી, તા. 7:અયોધ્યા કેસ અંગે સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો આવવા પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળને આ વિષયે બિનજરૂરી નિવેદનો કરવાથી દૂર રહેવા અને દેશમાં એખલાસ જાળવવા અનુરોધ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મંત્રીમંડળની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે દેશમાં એખલાસ, સંવાદિતા જળવાયેલા રહે તે દરેકની જવાબદારી છે. સર્વોચ્ચ અદાલત આ પ્રશ્ને તા. 17 મે કે તે પહેલાં ચૂકાદો આપે તેવી શકયતા છે. અયોધ્યામાંની વિવાદિત ભૂમિ અંગે અલ્હાબાદ હાઈ કોર્ટે 2010માં ચૂકાદો આપ્યો ત્યારે સરકાર, રાજકીય પક્ષો અને નાગરી સમાજે સમાજમાં ફાટફૂટ સર્જવાના પ્રયાસોને કઈ રીતે રોકયા હતા તે બાબતની યાદ પીએમ મોદીએ મન કી બાતના છેલ્લા મણકામાં અપાવી હતી.
----------
મસ્જિદ કયામત સુધી રહેશે: મૌલાના મદની
મુસ્લિમ પક્ષકારોમાં હલચલ: કોઇ વિકલ્પ શોધે છે: કોઇ કહે છે, આદેશનું સન્માન થશે
નવી દિલ્હી, તા.7: અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પહેલાં જમીયત-ઉલેમાન્એ-હિંદના અધ્યક્ષ મૌલાના સૈયદ  અરશદ મદનીએ કહ્યું હતું કે તે સુપ્રીમ કોર્ટના તમામ ચૂકાદાનું સન્માન કરશે. સાથોસાથ તેમણે એમ પણ કહ્યું હતું કે બાબરી મસ્જિદ કોઇ મંદિરને તોડીને બનાવવામાં આવી નથી. મસ્જિદ અલ્લાહની ચીજ છે અને તે કયામત સુધી રહેશે.
બીજી તરફ આ મામલામાં મુખ્ય પક્ષોમાં સામેલ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)એ સંભવિત પરિણામોનો સામનો કરવા માટે કાનૂની વિકલ્પો શોધવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. કાનૂની વિકલ્પોના વિચાર કરવા માટે બોર્ડ પોતાના બધા સભ્યોને બોલાવવાની યોજના કરી રહ્યું છે.
મદનીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમને પૂરતો ભરોસો છે કે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો શ્રધ્ધાના પાયા પર નહીં હોય પણ કાનૂનની મર્યાદામાં હશે. જ્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કાનૂની વિકલ્પોની તપાસમાં છે. બોર્ડના એક સભ્યે જણાવ્યું હતું કે, બેઠકનો મુખ્ય મુદ્દો સમૂદાયની પાસે ઉપલબ્ધ કાનૂની વિકલ્પો નક્કી કરવાનો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer