‘મહા’ ટળ્યું: માવઠું નડયું સૌરાષ્ટ્રમાં 0ાાથી 4 ઇંચ

‘મહા’ ટળ્યું: માવઠું નડયું સૌરાષ્ટ્રમાં 0ાાથી 4 ઇંચ
ઉનામાં 4, દીવમાં 3 ઇંચ, અન્યત્ર 0ાાથી 2ાા: ઠેર ઠેર મગફળીના પાથરા, કપાસ, ઘાસચારાને વ્યાપક નુકશાન
રાજકોટ, તા. 7: ઝંઝાવાત ‘મહા’ના ભારે ભય સાથે સૌરાષ્ટ્રમાં પલટાયેલાં વાતાવરણે સંખ્યાબંધ સ્થળે કમોસમી વરસાદની માઠી વરસાવી છે. વાવાઝોડાનો ભય ટળ્યાના હાશકારા વચ્ચે માવઠાના નુકશાને ખેડૂતોમાં હાયકારો ફેલાવ્યો છે. આજે ચક્રવાત ‘મહા’ની ઇફેકટને કારણે સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અડધાથી ચાર ઇંચ જેવો છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ઉનામાં 4 અને દીવમાં 3 ઇંચનો સમાવેશ થાય છે.
કોડીનાર: શહેર તથા તાલુકાભરમાં દરિયાના કરંટને કારણે સવારે 6 વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એક કલાક ધોધમાર વરસાદ પડયા બાદ બપોર સુધી ઝરમર સ્વરૂપે ચાલુ રહ્યો હતો. મૂળ દ્વારકા, માઢવાડના દરિયામાં જોરદાર કરંટને કારણે રસ્તા પર પાણી ભરાયા હતાં. અંદાજે બે ઇંચ વરસાદ થયો હતો.
અમરેલી: જિલ્લામાં આજે શિયાળાની સિઝનમાં ભરચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જાઝરાબાદ પંથકમાં સવા બે ઇંચ વરસાદ ખાબકયો હતો. જ્યારે સાવરકુંડલામાં પોણો ઇંચ, રાજુલામાં અડધો, ખાંભા પંથકમાં પણ અડધો ઇંચ વરસાદ થયો છે.
ડોળાસા: ‘મહા’ વાવાઝોડાની અસરને કારણે ધીમી ધારે આજે અડધો દિવસ પડેલાં વરસાદમાં એક ઇંચ જેવું પાણી વરસી ગયું હતું. દિવસ દરમિયાન પવનની ઝડપ સામાન્ય રહી હતી. 3 વાગ્યા બાદ આકાશ ખુલ્લું થઇ જતાં તડકો નીકળ્યો હતો.
કોટડાસાંગાણી: બગદડીયા, સતાપર, રામોદ, કરમાળ પીપળીયા સહિતના ગામોમાં દોઢ ઇંચથી વધુ કમોસમી વરસાદ પડતા કાપણી કરેલી મગફળી સહિતનો પાક પલળી ગયો હતો. કપાસને પણ ભારે નુકશાન થતાં વળતરની માગણી ઉઠી છે.
જામનગર: જિલ્લામાં 24 કલાક દરમિયાન વરસાદના હળવા-ભારે ઝાપટાં વરસ્યાં હતાં. કાલાવડના મોટાવડાળામાં 27 મીમી, નિકાવામાં 15 મીમી, ધૂનડામાં 11 મીમી વરસાદ ઉપરાંત ભણગોર, બેરાજામાં ઝાપટાંના અહેવાલ છે.
વેરાવળ: વાવાઝોડાની અસર ગત મોડી રાત્રિથી જોવા મળી હતી. જિલ્લાના છ તાલુકામાં ઝરમરથી લઇને હળવા ભારે ઝાપટાં સ્વરૂપે વરસાદ થયો હતો. ઉના તાલુકામાં દોઢ ઇંચ, વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, ગીરગઢડા, કોડીનારમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ થયો છે. બંદર પર હજુ પણ 3 નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત છે. આગામી 48 કલાક હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ: જિલ્લાના માળિયા હાટીના, માંગરોળ અને કેશોદમાં ગત ઢળતી રાત્રે એકાએક માવઠારૂપી વરસાદ શરૂ થયો હતો. જેમાં માળિયામાં 9 મીમી, માંગરોળ 7 મીમી અને કેશોદમાં 4 મીમી પાણી વરસ્યું હતું.
સુરત: આજે વહેલી સવારના 4 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ઓલપાડમાં 11 મીમી, સુરતમાં 10, ચોર્યાસીમાં 8, નવસારીમાં 11 મીમી વરસાદ નોંધાયો છે. આ માવઠાને કારણે ડાંગર સહિતના પાકને નુકશાનીની શકયતા છે. ભારે પવનને કારણે લગ્નના મંડપો ઉડી ગયાં હતાં.
દીવ: મહાવાવાઝોડાને કારણે અહીં આજે ભારે ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ પડયો હતો. રાત્રે 2 ઇંચ અને દિવસનો એક ઇંચ મળી 3 ઇંચ વરસાદ પડયો છે. જો કે નુકશાનીની કોઇ વિગત બહાર આવી નથી.
ઉના: ‘મહા’ વાવાઝોડાની અસરના પગલે તાલુકાના નવા બંદર અને સૈયદ રાજપરાના સમુદ્રમાં ભારે કરંટને લીધે ઊંચા મોજા ઉછળ્યાં હતાં. બુધવારે મોડી રાત્રીથી પવનનાં સૂસવાટા સાથે ગુરુવાર બપોર સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ વરસાદથી માછીમારોને ભારે નુકશાન વેઠવાની વેળા આવી છે.
ઉના: શહેર તેમજ દેલવાડા, આમોદ્રા, સીમર, સનખડા, ગાંગડા, ઉમેજ, પાતાપુર, ખત્રીવાડા સહિત તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અને દરિયાઇ પટ્ટીના ગામમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું હતું. કમોસમી માવઠાને કારણે ખેતીના પાકને નુકશાન થયું હતું. જે ભૂમિપુત્રો માટે મોટું સંકટ બનીને ઊભું છે.
મોરડીયા: સવારના 5 વાગ્યાથી સતત પડી રહેલાં વરસાદમાં દોઢ ઇંચ પાણી વરસી ગયું છે. મોરડીયા, સોળાજ, ભુવાટીંબી, પીઢાવાડી, ખેરા વગેરે ગામના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માગણી ઉઠી છે.
વડોદરા: શહેરમાં સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો હતો. ભરુચ, અંકલેશ્વર, ગોધરા, દાહોદમાં પણ ધીમીધારે વરસાદ પડયો છે. શહેરના તમામ વિસ્તારોમાં દિવસભર વરસાદી વાતાવરણ રહ્યું હતું.
તળાજા: દિવસ દરમિયાન અહીં સરવડાં સ્વરૂપે વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. સરતાનપર, ઝાંઝમેર, ગોપનાથ સહિતના દરિયા કિનારે સવારથી જ વાતાવરણ પલટાયું હતું. વાલર, દાઠા, તલ્લીમાં પણ વરસાદ પડયો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer