ગિરનારની પાવનકારી પરિક્રમાનો આજ મધરાતથી પ્રારંભ: તળેટીમાં માનવભીડ

ગિરનારની પાવનકારી પરિક્રમાનો આજ  મધરાતથી પ્રારંભ: તળેટીમાં માનવભીડ
ખરીફ સીઝન અને માવઠાથી સંખ્યા ઘટશે
(ફૂલછાબ ન્યૂઝ)
જૂનાગઢ, તા.7: ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલ તા.8ના મધરાતે વિધિવત પ્રારંભ થશે. પરિક્રમા કરવા આવનારા ભાવિકોથી તળેટીમાં માનવ ભીડ સર્જાઈ છે. તેમ છતાં ખરીફ મોસમની સીઝન અને માવઠાના કારણે ભાવિકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થશે તેમ જણાય છે. ‘મહા’ વાવાઝોડાનો ખતરો ટળતાં પરિક્રમાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે.
પ્રકૃતિના ખોળે 36 કિ.મી.ની લીલી પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. આ માનવ ભીડને ધ્યાને લઈ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો, ચા-પાણીના પરબો શરૂ કરી, ભાવિકોની અનોખી સેવા કરે છે.
ગિરનાર પરિક્રમામાં આ વર્ષે વન વિભાગ દ્વારા 75 અન્નક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે. તેઓ દ્વારા પરિક્રમા માર્ગ ઉપર અન્નક્ષેત્રો ઉભા કરી દીધા છે. પણ વહેલી પરિક્રમા ઉપર પ્રતિબંધ હોવાથી આવા અન્ન ક્ષેત્રો ખાલીખમ છે.
આ સ્થિતિ વચ્ચે વહેલી પરિક્રમા કરવા વાળા હજારો ભાવિકો બે દી’થી ભવનાથ તળેટીમાં પડાવ નાખ્યો છે. પરિણામે તળેટીમાં બે આશ્રમો સહિત ત્રણ અન્ન ક્ષેત્રોમાં બપોરે અને સાંજે અનોખો ધમધમાટ સર્જાય છે. પરિણામે અન્ન ક્ષેત્રોના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે.
દરમિયાન આવતીકાલના તા.8ના મધરાતે રૂપાયતન રોડ ઉપર આવેલ પરિક્રમા પ્રવેશ દ્વાર ખોલી પરિક્રમાનો સંતો-મહંતો પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પરિક્રમાનો પ્રારંભ કરાશે. ત્યારે હર હર મહાદેવ, જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે.
આ સાથે તળેટીમાં એકઠા થયેલા ભાવિકો પરિક્રમા માર્ગે પ્રયાણ કરશે. પરિક્રમાની પરંપરા પ્રમાણે પ્રથમ રાત્રી રોકાણ જીણાબાવાની મઢી, બીજુ રાત્રી રોકાણ માળવેલા અને ત્રીજું રાત્રી રોકાણ બોરદેવી કરી ત્યાંથી ભવનાથ તળેટીમાં પરત ફરી પરિક્રમા પૂર્ણ કરે છે.
વર્ષો વર્ષ પરિક્રમાના પ્રારંભ પૂર્વે લાખો ભાવિકો ઉમટે છે. તળેટી ટૂંકી પડતા તંત્ર પરિક્રમાનો પ્રવેશ દ્વાર બે દિ’ વહેલો ખોલી નાખે છે. તેથી વિધિવત પ્રારંભ સાથે લાખો ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી ભવનાથ તળેટીમાં પરિક્રમા કરનારા અને પૂર્ણ કરનારાઓનું મિલન થાય છે.
પણ આ વર્ષે ‘મહા’ વાવાઝોડાની દહેશત હોવાથી જિલ્લા તંત્ર દ્વારા નિયત સમયે જ પરિક્રમા પ્રવેશદ્વાર ખોલવાનો નિર્ણય કર્યો છે. બીજીબાજુ વરસાદ, વાવાઝોડાની દહેશત અને ખેતીની મોસમ હોવાથી કિસાનો, ખેત મજૂરો તેમાં રોકાયા હોવાથી ભાવિકોની સંખ્યા નહીંવત જણાય છે.
ભવનાથ તળેટીમાં પરિક્રમાના વિધિવત પ્રારંભ પૂર્વે અંદાજે 40 થી 50 હજાર હોવાનું જાણવા મળે છે. બીજીબાજુ આવક પણ ધીમી હોવાથી ભાવિકોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો જોવાશે તેમ જણાય છે.

ભવનાથના અન્નક્ષેત્રો ભરચક્ક જ્યારે ગિરનારના ખાલીખમ...
જૂનાગઢ, તા.7: લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડને ધ્યાને લઈ સેવાભાવી સંસ્થાઓ દર વર્ષે ભાવિકોની વ્હારે આવી અન્નક્ષેત્રે ઉભા કરે છે. આ વર્ષે 75 અન્ન ક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે. તેમાં મોટાભાગના પરિક્રમા માર્ગ ઉપર હોય તે હજુ ખાલીખમ છે. જ્યારે ભવનાથ તળેટીના અન્નક્ષેત્રો ભરચક્ક છે.
વરસાદે અને વાવાઝોડાની દહેશતને કારણે વહેલી પરિક્રમા કરવા ઉપર પ્રતિબંધ હોવાથી ઉતાવળીયા ભાવિકોને તળેટીમાં રોકાવાની ફરજ પડી છે. પરિણામે ભવનાથમાં આવેલ અન્નક્ષેત્રો ભરચક્ક છે.
જ્યારે પરિક્રમા માર્ગમાં ઉભા કરાયેલા મોટાભાગના અન્નક્ષેત્રો ખાલીખમ છે. તેમાં શનિવાર તા.9થી ભીડ જોવા મળશે. જો કે ભાવિકોની સંખ્યા ઘટે તેવી સ્થિતિ હોય તેથી તેઓનો સામાન પણ વધી પડે તો નવાઈ નહીં.
પરિક્રમા વહેલી શરૂ કરાઇ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મહા વાવાઝોડાની આગાહી, ભારે પવન સાથે વરસાદ આવવાની શક્યતા અને પરિક્રમાની ગરિમા જાળવવા માટે તંત્રે લીલી પરિક્રમા માટે આજ મોડી સાંજ સુધી મંજૂરી આપી ન હતી પરંતુ હાલની પરિસ્થિતિ જોતા ભવનાથમાં બે-ત્રણ દિવસ અગાઉથી આવી ગયેલા યાત્રિકો અને આજે આવેલા હજારો યાત્રિકોથી ભવનાથમાં પગ મૂકવાની જગ્યા મળતી નથી. જેથી કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કલેક્ટર ડો.સૌરભ પારધીએ જણાવ્યું કે હાલ વાવાઝોડાનો અને વરસાદનો ખતરો ટળી ગયો છે અને પરિક્રમા રૂટમાં વન વિભાગ અને પોલીસની તમામ તૈયારો પૂર્ણ થઈ ગઈ છે, જેથી યાત્રિકોના ઘસારાને જોતા યાત્રિકોની સલામતી માટે મોડી રાતે ગેઇટ ખોલી ધસારો હળવો કરવા પ્રયત્ન કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer