હનીટ્રેપ પછી હવે બાબાટ્રેપમાં ફૌજીઓને ફસાવતા પાક. જાસૂસો

હનીટ્રેપ પછી હવે બાબાટ્રેપમાં ફૌજીઓને ફસાવતા પાક. જાસૂસો
નકલી આધ્યાત્મિક ગુરુઓની પ્રોફાઇલથી સૈનિકોને નિશાન બનાવાતા હોવાની ચેતવણી
નવીદિલ્હી, તા.7: પાકિસ્તાની જાસૂસી સંસ્થા હવે ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવીને તેમની પાસેથી સંવેદનશીલ જાણકારીઓ ઓળવવા માટે હની ટ્રેપની જગ્યાએ બાબા ટ્રેપનો ઉપયોગ કરવા લાગી હોવાના ચોંકાવનારા અહેવાલો આવ્યા છે.
સેનાએ આ સંદર્ભે તમામ અધિકારીઓ અને જવાનો માટે સૂચના જારી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ એડ્વાઇઝરી ઓક્ટોબરમાં જારી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ સેનાને નિશાન બનાવવા માટે હવે નવતર કીમિયો અજમાવી રહી છે. જેમાં સેનાના ઉચ્ચ અધિકારીઓના નંબર મેળવવાથી માંડીને સંવેદનશીલ જાણકારીઓ એકઠી કરવાં ફર્જી આધ્યાત્મિક ગુરુઓનાં નામે જવાનોને નિશાન બનાવવામાં આવે છે. આવી જ રીતે જાસૂસો દ્વારા ફૌજીઓના પરિવારજનોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આવા બનાવટી બાબાઓને 1પ0 જેટલી નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઓળખાઈ ગઈ છે.
આર્મીના સૂત્રોના કહેવા અનુસાર પાકિસ્તાની જાસૂસો મોટાભાગે એવા જવાનોને નિશાન બનાવે છે જે સોશિયલ મીડિયામાં યેનકેન પ્રકારે સેનાની વ્યવસ્થા કે દેશનાં સરકારી તંત્ર સામે નારાજગી દર્શાવતા હોય. તેમને બાબાઓનાં નામે ભરોસામાં લઈને તેમની પાસેથી સંવેદનશીલ જાણકારીઓ એકઠી કરવાનાં પ્રયાસો થાય છે.
-----------
પાક. હની ટ્રેપમાં ફસાઈ લીક કરી ગુપ્ત માહિતી: બે જવાનની ધરપકડ
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મહિલા એજન્ટના કાવતરામાં ફસાઈને સૈન્ય સુચનાઓ લીક કરવાના આરોપમાં પોલીસે બે જવાનની ધરપકડ કરી છે. સૂત્રોના કહેવા પ્રમાણે પોખરણમાં તૈનાત વિચિત્ર બેહરા અને રવિ વર્મા પાકિસ્તાનના હની ટ્રેપમાં ફસાયા હતા અને ગુપ્ત જાણકારી લીક કરી હતી. ધરપકડ બાદ વિચિત્ર બેહરાને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વિચિત્ર બેહરાની ગતિવિધી સંદિગ્ધ જણાતા ગુપ્તચર એજન્સીઓ દેખરેખ કરી હતી. આ દરમિયાન જાણ થઈ હતી કે વિચિત્ર પાકિસ્તાની એજન્ટ સાથે ફેસબુક અને વોટ્સએપ મારફતે વાત કરતો હતો. આ ઉપરાંત રવિ વર્મા પણ બેહરા સાથે વાત કરતી મહિલા સાથે સંપર્કમાં હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer