નીરવ મોદી ફફડયો: પ્રત્યાર્પણ થશે તો આપઘાત કરીશ

નીરવ મોદી ફફડયો: પ્રત્યાર્પણ થશે તો આપઘાત કરીશ
યુકેની જેલમાં કેદ કૌભાંડીની કોર્ટ સમક્ષ ચીમકી: જેલમાં ત્રણ વાર માર પડયાનો દાવો
લંડન તા. 7: હાલ યુકેની જેલમાં બંદી બનાવાયેલા પીએનબી સાથેની છેતરપિંડીના આરોપી નીરવ મોદીએ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જણાવ્યું છે કે જેલમાં ‘ત્રણ વાર’ તેને માર મારવામાં આવ્યો છે. જો ભારતને પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપવામાં આવશે હું જાતને મારી નાખીશ એવી ચીમકી તેણે આપી હતી. જો કે યુકેના જજે તેને જામીન આપવાનું નકાર્યુ હતું. તેના વકીલે પાંચમી વાર જામીનની અરજી કરી હતી. પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 9,100 કરોડની છેતરપિંડી કર્યાના આ આરોપી સામે પ્રત્યાર્પણનો ખટલો આગામી તા. 11મી મેથી 1પ મે સુધી ચાલનાર છે. તેના વકીલ હ્યુગો કિથે એવો દાવો કર્યો હતો કે તેના અસીલને એપ્રિલમાં વાન્ડ્સવર્થ જેલમાં બે વાર અને મંગળવારે માર મારવામાં આવ્યો હતો.
ગઈ કાલે (મંગળવારે) સવારે 9ના સુમારે, તેમનો અસીલ નીરવ મોદી તેના સાથી જોડે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે બે કેદીઓ તેની કોટડીમાં ધસી આવ્યા હતા. કોટડીનો દરવાજો બંધ કરી તેને મુક્કા માર્યા હતા, તેને જમીન પર ફંગોળી તેને લાતો ફટકારી હતી અને પૈસા ઓકાવવા પ્રયાસ કર્યો હતો. તે એક લક્ષિત હુમલો હતો, જેની વાતો મોટા ભાગે કેસ વિશે નવેસરથી થયેલા મીડિયા કવરેજ વડે બહાર આવી હતી એમ હ્યુગો કિથે જણાવ્યું હતું. નીરવના ડિપ્રેશન વિશે તેના તબીબના કોન્ફિડેન્શ્યલ(ગુપ્ત) રિપોર્ટના કેટલાક અંશ લીક થયા સંદર્ભે વકીલે કોર્ટમાં જણાવતા ઉમેર્યુ હતું કે આ હુમલાનો પ્રતિસાદ આપવામાં જેલસેવા ઉણી ઉતરી હતી તેમ જ કાઉન્સેલરને મળવાની તેની વિનંતી ય નકારાઈ હતી.નીરવ મોદી અબજોપતિ કારોબારી હોવાની વાતો અખબારોમાં ખોટી રીતે છપાતી આવી હોઈ આવા હુમલા ફરી વાર થવાના એમ પણ તેણે જણાવ્યું હતું.
કોર્ટ સમક્ષ રજૂ કરેલા પુરાવામાં નીરવે જણાવ્યું હતું કે જો ભારતમાં પ્રત્યાર્પણ કરવા આદેશ અપાશે તો હું જાતને હણી નાખીશ. ભારતમાં પોતાના પર ન્યાયી ખટલો નહીં ચાલે તેવી દહેશત તેણે વ્યકત કરી હતી.
નીરવના બેરિસ્ટરે એવું સૂચન કર્યુ છે કે નીરવને મળવા આવનારા મુલાકાતીઓની બેગ્સની તલાશી લેવામાં આવે, તેના ઘર પર ચોવીસે કલાક સિકયોરિટી કેમેરા મૂકવામાં આવે અને 12 કલાક સિકયોરિટી ગાર્ડઝ મૂકવામાં આવે. હ્યુગોએ નીરવની જામીનની ઓફર બમણી કરીને 40 લાખ પાઉન્ડ (રૂ. 36 કરોડ)ની કરી છે.નીરવને જામીન અપાય તો તે નાસી જાય કે સાહેદો સાથે દખલ કરે અને પુરાવાઓનો નાશ કરે તેવી ભીતિ હોવાનું જણાવી ચીફ મેજિસ્ટ્રેટે જામીન નકાર્યા હતા.હવે તેણે આગામી ચોથીએ કોર્ટમાં હાજર થવાનુ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer