ભાવનગરમાં ખૂની હુમલામાં ઘવાયેલા યુવાનનું મૃત્યુ

બનાવ હત્યામાં પલટાયો ચાર શખસોની શોધખોળ
ભાવનગર, તા.7 : ભાવનગરમાં ઘોઘારોડ પરના વિસ્તારમાં નજીવી બાબતે યુવાન ઉપર ખૂની હુમલો કરવામાં આવતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમિયાન સારવારમાં મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ચારેય હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ઘોઘા રોડ પર ગૌશાળા પાસે રહેતો દેવાભાઈ મેવાભાઈ મકવાણા નામનો યુવાન ગત તા.ર9 ના સવારે જવાહર મેદાનમાં ગયો હતો ત્યારે જાજરુ જવાના મામલે ધનજી કેશુ સલાટ, મનજી શિવા, પપ્પુ શિવા સલાટ અને ભોટુ ઉર્ફે સંજય સી. સલાટ નામના શખસોએ ઝઘડો કરી પાઈપથી હુમલો કરી નાસી છૂટયા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દેવા મકવાણાને હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મૃતયુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે કનુભાઈ મેવાભાઈ મકવાણાની ફરિયાદ પરથી ચારેય હુમલાખોરો સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
-----------
દ્વારકાના ગોમતી ઘાટ ખાતે ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મૃત્યુ
ફૂલછાબ ન્યૂઝ
દ્વારકા, તા.7: દ્વારકાના ગોમતી ઘાટ પર અજાણ્યો પુરૂષ દરિયાના વહેણમાં તણાઈ જતાં રેસ્કયુ ટીમ ઉપલબ્ધ ન હોતાં ડૂબી જવાથી યુવાનનું મૃત્યુ નિપજેલ.
દિવાળી વેકેશનમાં યાત્રીકોના યાત્રાધામ દ્વારકામાં સતત ધસારા વચ્ચે સતત ચાર દિવસથી મહા વાવાઝોડાના સંભવિત ખતરાને અનુલક્ષીને દરેક ટીવી ચેનલો તેમજ અખબારોમાં દેવભૂમિ દ્વારકાના વહીવટીતંત્રે તંત્ર સંપૂર્ણ સુસજ્જ હોવાની પીપૂડી વગાડયા છતાં મહા વાવાઝોડુ સદનસીબે ટળ્યું છે. જ્યારે દ્વારકાના ગોમતી ઘાટ પર નહાવા પડેલા અજાણ્યા યુવાનનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ નિપજયું હતું. ગોમતી નદીએ દરિયા સાથે  જોડાયેલ હોય દિવસમાં બે વખત આવતા ભરતી ઓટથી યાત્રાળુઓ પરિચિત ન હોય અહીં રેસ્કયુ ટીમની કાયમી ધોરણે જરૂરિયાત હોવા છતાં અને હાલમાં તો મહા વાવાઝોડા સાથે સલામતીના બુંગીયા ફૂંકવા છતાં તંત્રની કોઈ જ રેસ્કયુ ટીમ, ફાયર, 108 સહિતની એકપણ ઈમરજન્સી સેવા ગોમતી ઘાટ ઉપર ઉપલબ્ધ ન રહેતા યુવાનને સમયસર સહાય ન મળતા દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ નિપજેલુ હતું. અજાણ્યા યુવાનના શરીરને સ્થાનીકોએ બહાર કાઢેલ જેને 108ને જાણ કરી હોસ્પિટલ પહોંચાડયા બાદ સ્થલ પરના ડોકટરે તપાસ્યા બાદ મૃત્યુ થયેલ જાહેર કર્યો હતો. બનાવ અંગે સ્થાનીય પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer