દવાખાનાનાં કામે અમદાવાદ ગયેલા જૂનાગઢના પરિવારના બંધ મકાનમાંથી રૂ.8.90 લાખના રોકડ-દાગીનાની ચોરી

પુત્રના લગ્ન માટે રાખેલ 6.90 લાખ ઉઠાવી ગયા
જૂનાગઢ, તા.7: જૂનાગઢમાં તસ્કરોએ માથું ઉંચક્યું હોય તેમ એક સસ્તા અનાજના વેપારી પોતાની પત્નીની સારવાર માટે અમદાવાદ જતા તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડી રૂ.8 લાખ 90 હજાર રોકડ-દાગીનાની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત પ્રમાણે અહીંના નવા નાગરવાડામાં શેરી નં.2માં આવેલ ‘હરસિદ્ધિ કૃપા’ નામના બે માળનાં મકાનમાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ચલાવતા દિપકભાઈ કાન્તીલાલ કારિયા પોતાની પત્ની ગીતાબેનને ફેફસાની બીમારી હોવાથી સારવાર માટે અમદાવાદ ગયા હતા.
ત્યારે કોઈ તસ્કરોએ બંધ મકાનનાં તાળાં તોડી ઉપરના માળે રૂમનાં તાળાં તોડી કબાટમાં પુત્રના લગ્ન માટે રાખેલ રૂ.6 લાખ 90 હજાર રોકડા તથા રૂ.બે લાખના દાગીના મળી કુલ રૂ.8 લાખ 90 હજારના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા.
અમદાવાદથી પરિવાર ઘરે પરત ફરતા મકાનનાં તાળાં તૂટેલ જોઈ ચોંકી ઉઠયા હતા. તપાસ કરતા તસ્કરો ઘરમાં હાથફેરો કરી ગયાનું જણાતા આ અંગે પોલીસને જાણ કરતા ‘બી’ ડિવિઝન પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આ અંગે ‘બી’ ડિવિઝન પોલીસે દિપકભાઈ કારિયાની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી ડી.વાય.એસ.પી. પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પી.આઈ. આર.બી.સોલંકીએ તપાસ હાથ ધરી છે. આ બનાવથી વિસ્તારમાં ચકચાર ફરી વળી છે.
તપાસનીશ અધિકારીના જણાવ્યા મુજબ માત્ર એક જ દિવસ બંધ રહેલા ઘરને નિશાન બનાવવામાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતા નકારી શકાતી નથી. ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ.ની મદદ વડે ગુનાનો ભેદ ઉકેલાવા તજવીજ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer