આજે દેવ દિવાળી : લગ્ન જેવા શુભ પ્રસંગોનો આરંભ

શેરડીમાં મીઠાશ હોય છે એટલે તેના મંડપમાં તુલસી વિવાહ કરવાથી લગ્ન જીવન મધુરું રહે છે
રાજકોટ, તા. 7: (ફૂલછાબ ન્યૂઝ) આવતીકાલ તા.8મીને શુક્રવારે દેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળી છે. આ પવિત્ર દિવસે શેરડીના મંડપમાં ભગવાન વિષ્ણુ અને તુલસીજીના વિવાહ કરવાનું મહત્ત્વ છે. આ દિવસથી લગ્ન જેવા શુભ પ્રસંગોનો આરંભ થાય છે.
રાજકોટના જ્યોતિષવિદ્દ રાજદીપ જોશીએ જણાવ્યું કે, કારતક સુદ અગિયારસને શુધ્રવારે દેવ દિવાળી છે. અષાઢ સુદ અગિયારસે દેવતાઓ પોઢી જાય છે અને કારતક સુદ અગિયારસે દેવતાઓ જાગે છે અને લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. ભગવાન વિષ્ણુ જ્યારે બલીરાજાના દ્વારપાળમાંથી છૂટીને પાછા ફરે છે ત્યારે દેવતાઓ દિવાળી જેવો ઉત્સવ ઉજવે છે. એટલે એને દેવતાઓની દિવાળી કહે છે. આજના દિવસે સવારે ઘરનાં આંગણામાં અથવા અગાસીએ તુલસી સાથે શાલીગ્રામ પધરાવવા તુલસીજી ઉપર ચૂંદડી ઓઢાડવી. ત્યારબાદ શેરડીનો સાઠો રાખવો. ભગવાનને લીલા કુદરતી મંડપનું મહત્ત્વ હોવાથી ભગવાન શેરડીના સાઠાનું અહીં મહત્ત્વ છે. ભગવાનને શેરડી ધરાવવામાં પણ  આવે છે. શેરડીમાં મીઠાશ હોવાથી અને શેરડીનો મંડપ બનાવી તુલસીજીના વિવાહ કરવાથી દામ્પત્ય જીવનમાં પણ મીઠાશ આવે છે. જે યુવક-યુવતીઓના વિવાહ થતા ન હોય તેવા યુવક-યુવતીઓએ તુલસી વિવાહ કરાવવા જેથી લગ્ન યોગ થાય. જ્યોતિષી રાજદીપભાઈ જોશીના જણાવ્યા અનુસાર, જેમનાં કુટુંબમાં નાની ઉંમરની કન્યાનું નિધન થયું હોય તેવા કુટુંબીઓ તેની પાછળ તુલસી વિવાહ કરાવી શકે છે. તુલસી વિવાહ સાંજના સમયે દિવસ આથમ્યા પછી કરવા. આવતીકાલ શુક્રવારે દિવસ આથમવાનો સમય 6:0પ છે. સાંજે ધામધૂમથી વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવા. આખો દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણું કરવું. રાતના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer