રાજીવનગરમાં ડેન્ગ્યુના સોથી વધુ કેસ છતાં મનપા બેફિકર!

રાજીવનગરમાં ડેન્ગ્યુના સોથી વધુ કેસ છતાં મનપા બેફિકર!
આરોગ્ય સમિતિ ચેરમેનના વોર્ડમાં માંદગીના ખાટલા
લોકોએ સ્થાનિક કોર્પોરેટરને બદલે અન્ય વોર્ડના કોર્પોરેટરને ફરિયાદ કરતાં અનેક તર્ક-વિતર્ક
રાજકોટ તા.16 : શહેરમાં ડેન્ગ્યુનો રોગચાળો દિવસેને દિવસે ગંભીરરૂપ ધારણ કરી રહ્યો છે છતાં હજુ સુધી મ્યુનિ.તંત્ર ડેન્ગ્યુના વાસ્તિવિક આંકડાઓ છુપાવવાના પ્રયાસો કરી રહ્યું છે એટલુ જ નહીં પરંતુ આ આંકડાઓની ‘માયાઝાળ’માં વ્યસ્ત રહેવાથી ખરેખર ડેન્ગ્યુના ભરડામાં સપડાયેલા અનેક વિસ્તારો તરફ ધ્યાન અપાતું ન હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી છે.
વોર્ડ નં.2માં કે જે આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરનો વોર્ડ ગણાય છે અહીં આવેલા બજરંગવાડી વિસ્તારના રાજીવનગરમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ હોવાની ફરિયાદ સ્થાનિક લોકોએ વોર્ડ નં.13ના કોંગી મહિલા કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરને કરી છે. લોકોનું કહેવું છે કે, અહીં ડેન્ગ્યુના દર્દીઓ સૌથી વધુ છે છતાં હજુ સુધી આ વિસ્તારમાં આરોગ્ય તંત્રનો એક પણ કર્મચારી રૂબરૂ તપાસ અર્થે આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક પખવાડિયામાં શહેરની 13 હોસ્પિટલોમાં ડેન્ગ્યુના 615થી વધુ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યુ હતું જો કે, મનપાના ચોપડે કન્ફર્મ 206 કેસ જ નોંધાયા હોવાનું આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડે જણાવ્યું હતું. ડેન્ગ્યુના આંકડાઓની ‘માયાઝાળ’માં આરોપ-પ્રત્યારોપ વચ્ચે ખરેખર જે વિસ્તારોમાં ડેન્ગ્યુના ભરડામાં સપડાયાં છે ત્યાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જો કે, વોર્ડ નં.2માં સ્થાનિક કોર્પોરેટર કે જેઓ ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે અને આ વોર્ડના જયમીન ઠાકર ખુદ આરોગ્ય સમિતિના ચેરમેન છે છતાં તેઓને રોગચાળા મુદ્દે રજૂઆત કરવાને બદલે અન્ય વોર્ડના કોંગી મહિલા કોર્પોરેટરનું ધ્યાન દોરવામાં આવતાં અનેક તર્ક-વિતર્ક ઉભા થયાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer