નેતાએ તોડયું પોલીસનું મોરલ

નેતાએ તોડયું પોલીસનું મોરલ
પોલીસમેનની હેડકવાટરમા બદલી
રાજકોટ, તા.16 : રાજકોટમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે આવારા તત્વો બેફામ બન્યા છે.રાજકીય પીઠ બળ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉદાસીનતાના કારણે આવા તત્વો બેકાબુ બન્યા છે. તાજેતરમાં  રાજકોટનાં એક ભાજપના દિગ્ગજ નેતાએ ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં જ બે પોલીસમેન અને બે હોમગાર્ડના જવાનોને બેફામવાણી વિલાસ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેની પોલીસ બેડામાં ચર્ચા છે. એક પોલીસમેનની હેડકવાર્ટર ખાતે બદલી કરી નાખવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે થોડા દિવસ પહેલા માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં આવેલા વિસ્તારમાં એક હાઈરાઈઝ બીલ્ડીગ બનાવવાનુ કામ શરુ થયું હતું. દરમિયાન મોડીરાત્રીના જેસીબી સહિતના મશીનોની ધણધણાટીના કારણે આસપાસના રહેવાસીઓમા ત્રાસ છુટતા પોલીસ કન્ટ્રોલ રુમમાં જાણ કરવામાં આવતા પોલીસ મથકની પીસીઆર વાનને સ્થળ પર મોકલવામાં આવી હતી અને મોડીરાત્રીના ધણધણાટી બોલાવતા મશીનો બંધ કરાવી દેવામાં આવ્યા હતા. આથી ત્યાં હાજર રહેલા કોન્ટ્રાકટરે કામ બંધ કરાવવા આવેલી પોલીસને આજીજી કરી હતી. પરંતુ પોલીસે કામ બંધ કરી દેવાની તાકીદ કરી હતી. બાદમાં પોલીસને ખર્ચાપાણીની ઓફર કરતા પોલીસમેનએ સરકારી વાહન રીપેરીગ કરાવવા માટેના ખર્ચાની માગણી કરતા એ સંતોષવામાન આવી હતી. રકમ બહુ નાની હતી. દરમિયાન આ સમગ્ર પ્રકરણની બીલ્ડરને  ખબર પડી  અને એમણે જાણ કરવામા ભાજપના નેતાને વાત કરતા ઈન્ચાર્જ પોલીસ કમિશનરને જાણ કરી હતી. બાદમાં  ડીસીપીએ તપાસ કરી હતી અને સમગ્ર પ્રકરણ એક એસીપીને સોંપતા સવારે પોલીસની પીસીઆરવાન રીપેરીગ કરાવવા માટે ખર્ચ માગનાર સ્ટાફની ઓળખ થઈ હતી અને બે હોમગાર્ડ અને બે પોલીસમેનને તાકીદનું કચેરીમાથી તેડું આવ્યું હતું અને ઉચ્ચ અધિકારીની હાજરીમા જ આ નેતાએ ચારેયને  ખખડાવ્યા હતા અને બાદમાં જે તે પોલીસમેનની હેડ કવાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer