ભાવનગર પાસે એસટીની ઠોકરે બુલેટ ચડી જતાં પિતા-પુત્રના મૃત્યુ

અમદાવાદથી પિતા-પુત્ર બુલેટ મોટરસાઇકલ પર પીપળવા જતા’તાં

ભાવનગર, તા. 16: ધંધુકા-બગોદરા હાઇ-વે પરના ફેદરા ગામ પાસે એસટી બસની ઠોકરે બુલેટ મોટરસાઇકલ ચડી જવાથી અમદાવાદમાં રહેતાં પિતા-પુત્રના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં.
આ ગોઝારી ઘટનામાં અમદાવાદના  નિકોલમાં આગમન રેસીડેન્સીમાં રહેતાં 57 વર્ષના રમણીકભાઇ ઉર્ફે રમુભાઇ મોહનભાઇ પાનેલિયા અને તેમના 27 વર્ષના પુત્ર હાર્દિકના મૃત્યુ નિપજ્યા હતાં.
આ બનાવની મળતી વિગત એવા પ્રકારની છે કે, અમદાવાદમાં રહેતાં રમણીકભાઇ પાનેલિયા તેના પુત્ર હાર્દિક સાથે બુલેટ મોટર સાઇકલ પર  અમરેલી જિલ્લાના ખાંભા તાબેના પીપળવા ગામે વતનમાં આંટો દેવા જઇ રહ્યા હતાં. ત્યારે ધંધુકા-બગોદરા હાઇ-વે પરના ફેદરા ગામ પાસે કૃષ્ણનગર - પાલીતાણા - સાવરકુંડલા રૂટની એસ.ટી. બસની અડફેટે ચડી ગયા હતાં. એસ.ટી.બસની ઠોકર લાગવાથી પિતા-પુત્ર નીચે પટકાયા હતાં અને  બન્નેને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં. આ અકસ્માતમાં મૃતક બુલેટ ચાલકે હેલ્મેટ પહેરી હોવા છતાં મૃત્યુ મળ્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer