રાજકોટમાં માતા-પુત્રનો સજોડે આપઘાત

રાજકોટમાં માતા-પુત્રનો સજોડે આપઘાત
બ્લડપ્રેશર અને માનસિક બીમારીથી કંટાળીને ટ્રેન નીચે પડતું મૂકીને ભરેલું પગલું

રાજકોટ, તા. 16: રાજકોટ શહેરમાં માતા-પુત્રે સજોડે ટ્રેન હેઠળ પડતુ મૂકીને આપઘાત કરી લીધો હતો. બ્લડપ્રેશર અને માનસિક બીમારીથી કંટાળીને નવાથોરાળાના વિજયનગરની  ગીતાબહેન નાનજીભાઇ પરમાર નામની મહિલા અને તેના 24 વર્ષના યુવાન પુત્ર કેતને આત્મહત્યા કરી હતી.
મોરબી રોડ પર નવા પુલ નજીક  સીકંદ્રાબાદ-રાજકોટ ટ્રેન  હેઠળ પડતુ મૂકીને એક મહિલા અને એક યુવાને જીવાદોરી કાપી નાખી હતી. આ બન્નેના મૃતદેહને રાજકોટ રેલવે જંકશન પર લાવવામાં આવ્યા હતાં. આ બન્નેની ઓળખ મેળવવા માટે પોલીસે તેના કપડાંની તલાશી લીધી હતી. યુવાનના ખિસ્સામાંથી એક વીઝીટીંગ કાર્ડ મળી આવ્યું હતું. આ કાર્ડ પરના નંબર પર ફોન કરતા એ ફોન મૃતક યુવાનના મિત્રે ઉપાડયો હતો. આ મિત્રને રેલવે સ્ટેશને બોલાવીને  બન્ને મૃતદેહ બતાવાયા હતાં. એ મિત્રે મૃતક યુવાનનું નામ કેતન નાનજીભાઇ પરમાર હોવાનું અને તે નવાથોરાળાના વિજયનગરમાં રહેતો હોવાનું ખુલ્યું હતું. જયારે તેની સાથેની મહિલા તેની માતા ગીતાબહેન પરમાર હોવાનું બહાર આવ્યું હતું. આ વિગતના આધારે વિજયનગરમાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસની વધુ તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, ગીતાબહેનનો પતિ નાનજીભાઇ પરમાર છુટક મજુરી કામ કરે છે. તેને સંતાનમાં બે પુત્ર કેતન અને કૌશિક છે. મોટા પુત્ર કેતને ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હતો.
 બાદમાં ભણવાનું છોડીને કારખાનામાં કામે લાગી ગયો હતો. મવડી વિસ્તારમાં પિયર ધરાવતાં  ગીતાબહેનને બ્લડપ્રેશર સહિતની બીમારી છે અને તેની દવા ચાલે છે. જ્યારે તેના પુત્ર કેતનને માનસિક બીમારી છે. ગઇકાલે સાંજે માતા-પુત્ર ઘેરથી કોઇને કહ્યા વગર નિકળી ગયા હતાં. બાદમાં ટ્રેન હેઠળ પડતુ મૂકીને જીવનનો અંત આણ્યો હતો. માતા-પુત્રના આપઘાત પાછળ બીમારી કારણભૂત છે કે અન્ય કોઇ કારણ છે તે અંગે તપાસ ચાલી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer