પોલીસને ચકમો આપીને ફરાર થયેલા કેદીના ઘેર તપાસ : 18 કાર્ટીસ મળ્યા

બન્ને ભાઈઓ સામે નોંધાતો ગુનો

ધ્રાંગધ્રા, તા.16 : મોરબીના મુસ્તાક મીરની હત્યામાં સંડોવાયેલા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા નામનો શખસ પેરોલ પર છૂટયા બાદ ફરાર થઈ ગયો હતો અને બાદમાં અમદાવાદ એટીએસએ ઝડપી લીધો હતો અને અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
દરમિયાન ગત તા.14/10 ના અમદાવાદથી પોલીસ પહેરા હેઠળ મોરબી મુદતે લઈ આવવામાં આવતો હતો ત્યારે માલવણ હાઈવે પર આવેલી હોટલે વૈભવી કારમાં હિતુભા ઝાલા નાસી છૂટયો હતો. આ મામલે પોલીસે ફરજમાં બેદરકારી દાખવનાર  ફોજદાર સહિત ચાર પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. દરમિયાન કારચાલક રોહિત જોષી પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં હિતુભા ઝાલા સાથે જેલમાં મુલાકાત થયેલ પ્રકાશ નામના શખસે રોહિત જોષીને અમદાવાદથી પોલીસવાનનો પીછો કરવા કહ્યું હતું અને હિતુભાને ભગાડી તેણે કલ્પના ચોકડી પાસે હિતુભાને ઉતારી દીધો હતો. અન્ય બ્લેક કારમાં બેસાડી પોતે સુરેન્દ્રનગર જતો રહ્યો હતો. કેદીને ભગાડવામાં વૈભવી કાર બોટાદના જશ્મીન કોઠારીની હોય જે સફેદ કાર જયદીપ ચુડાસમાએ આપી હતી. હિતુભાને ભગાડવામાં મિત્ર પ્રકાશ સહિત બ્રીજરાજસિંહ ગોહિલ પણ સામેલ હોવાનું ખુલ્યું હતું.પોલીસે હિતુભા ઝાલાના ઘેર તપાસ કરતા 18 કાર્ટીસ મળી આવ્યા હતા અને પોલીસે હિતુભાના બે ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસિંહ વિરૂધ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધ્યો હતો અને હિતુભા ઝાલાની શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer