મુંબઈની કંપની સાથે 50 લાખની છેતરપિંડી કરી જામનગરમાં રહેતો શખસ ઝડપાયો

મુંબઈની કંપનીમાં નોકરી દરમિયાન રોજ એ.ટી.એમ.માં પૈસા ભરવા જતી વખતે રકમ કાઢી લેતો

જામનગર, તા.16: મુંબઈના સાવલી વિસ્તારમાંથી એક કંપની સાથે રૂપિયા અડધા કરોડની ઉચાપત કરી ભાગી છૂટેલો શખસ જામનગરમાં સંતાઈને રહેતો હોવાની ચોક્કસ બાતમીના આધારે જામનગર પોલીસની એસ.ઓ.જી.ટીમે પકડી પાડયો છે અને મુંબઈ પોલીસને જાણ કરી છે.
મુંબઈના સાવલી જિલ્લામાં આવેલી સી.એમ.એસ.કંપનીમાં હિતેશ સતવારા નામનો શખસ નોકરી કરતો હતો.આ કંપની સાથે અડધા કરોડની ઉચાપત કરીને આ શખસ નાસતો ફરતો હતો. આ શખસ જામનગરમાં આવીને સંતાયો છે તેવી ચોક્કસ બાતમી  જામનગરની એસ.ઓ.જી. શાખાને મળી હતી. જામનગરમાં નવા આવાસના મેન ગેટ સામે તે રાજમોતી સોસાયટીમાં રહેવા આવ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
એસ.ઓ.જી.શાખાની ટીમે ગઈ મોડી રાત્રે દરોડો પાડી હિતેશ નરસંગભાઈ પટેલ (કણજારિયા)ને પકડી પાડયો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી.પૂછપરછ દરમિયાન આ શખસે પોતે મુંબઈના સાવલી વિસ્તારમાં આવેલી સી.એમ.એસ.કંપનીમાં નોકરી કરતો હતો અને પોતાની બારેક વર્ષની નોકરી દરમિયાન કંપની તરફથી એટીએમમાં પૈસા ભરવા જતો હતો. એટીએમમાં પૈસા ભરતી વખત તેમાંથી અલગ-અલગ સમયે 40 થી 50 હજારની રકમ કાઢી લેતો હતો.આ રીતે તેણે કુલ રૂા.50 લાખની ઉચાપત કરી હોવાનું જણાવ્યું હતું.
એસ.ઓ.જી.શાખા દ્વારા આ અંગે ખરાઈ કરાવતાં મુંબઈના સાવલી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે તા.27-7-2019ના દિવસે ઉચાપત અંગેનો ગુનો દાખલ કરાયો હતો અને તે ગુનામાં પોતે નાસતો ફરતો હતો તેથી મુંબઈ પોલીસને હવાલે કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer