વિરાટ કોહલી દુનિયાનો સૌથી સારો બેટ્સમેન

વિરાટ કોહલી દુનિયાનો સૌથી સારો બેટ્સમેન
કેપ્ટન તરીકે ટેસ્ટ મેચમાં રહ્યું છે સૌથી વધુ યોગદાન : વ્યક્તિગત આંકડા પણ કોહલીની શ્રેષ્ઠતાના પુરાવારૂપ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પુણેમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીના બીજા ટેસ્ટ મેચમાં કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ રમતા શાનદાર 254 રન કર્યા હતા. આ બેવડી સદીના દમ ઉપર ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાને ઈનિંગ અને 137 રને પછાડયું હતું અને વિરાટ કોહલીએ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનના સ્થાન માટે મજબુત કદમ ભર્યા હતા.
કોહલી વર્તમાન સમયમાં ટોપ ઉપર રહેલા સ્ટીવ સ્મિથી માત્ર એક અંક પાછળ છે. પુણેના મેચમાં વિરાટ કોહલીએ અન્ય એક વિક્રમ પણ બનાવ્યો હતો. તે ધોની બાદ ભારત માટે 50 ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરનારો બીજો કેપ્ટન બન્યો હતો. વિરાટ જ્યારથી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બન્યો છે. ત્યારથી ભારત નવા નવા વિક્રમો સર્જી રહ્યું છે. કોહલી વ્યક્તિગત સ્કોરમાં પણ નવા  વિક્રમ બનાવી રહ્યો છે. કોહલીએ કેપ્ટન તરીકે રહેતા 50 ટેસ્ટ મેચમાં કુલ રનોમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. આ યાદીમાં બીજા નંબર ઉપર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈક અથર્ટનનું નામ છે. જેની સરેરાશ 16.34 ટકા છે. ત્યારબાદ એલન બોર્ડર 16.27  ટકા અને રીકિ પોન્ટિંગ 16.15 ટકાની સરેરાશથી ટીમમાં યોગદાન આપ્યું છે. જો કે ભારતના સફળ કેપ્ટનમાંથી એક ધોનીનું નામ યાદીમાં સૌથી નીચે છે. આ અગાઉ દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવ્યા બાદ કોહલીએ કહ્યું હતું કે, તે ક્યારે વિક્રમ બનાવવા માટે નથી રમતો. તે માત્ર પોતાનું કામ કરે છે.
પાંચ વિક્રમ કોહલી માટે વિરાટ
            ક્રિકેટનાં મેદાન પર કંઈપણ અશક્ય નથી, એ વાત સાચી, પરંતુ બેટિંગના અનેક વિક્રમો રચી ચૂકેલા ટીમ ઈન્ડિયાના કાબેલ સુકાની વિરાટ કોહલી માટે પાંચ વિક્રમ એવા છે, જે તોડવા મુશ્કેલ બની શકે છે.
સૌથી વધુ ટેસ્ટ : કોહલીએ 81 ટેસ્ટ મેચ રમી છે. સૌથી વધુ 200 ટેસ્ટ રમવાનો વિક્રમ સચિન તેંડૂલકરના નામે છે, ત્યારે આવતા મહિને 31 વર્ષના થનાર વિરાટને આ વિક્રમ તોડવા માટે ઘણા લાંબા સમય સુધી રમવું પડે તેમ છે.
લારાના 400 રન : બ્રાયન લારાએ 2004માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 400 રન કર્યા હતા. આ વિક્રમ તોડવા કોહલીએ વિકેટ પર ટકવું પડશે, એવું નથી કે, તેનામાં લાંબા સમય સુધી રમવાનો સ્ટેમિના નથી, પરંતુ તેવી સ્થિતિમાં મેચ ડ્રો જવાની શક્યતા વધી જાય છે. કોહલી ટીમનાં હિતને પોતાનાથી ઉપર રાખતા ખેલાડી છે.
સૌથી વધુ ટેસ્ટ સદી : આ વિક્રમ પણ સચિનનાં નામે છે. તેમણે 24 વર્ષની કારકિર્દીમાં 51 ટેસ્ટ સદી અને 68 અર્ધસદી કરી છે. કોહલીની 26 સદી છે. આ વિક્રમ કોહલી તોડી શકે, પરંતુ તેના માટે લાંબા સમય સુધી સતત ફોર્મ સાથે રમવું પડશે.
વન-ડેમાં સૌથી વધુ અર્ધસદી :આ વિક્રમ પોતાના નામે કરનાર સચિન તેંડૂલકરે 96 અર્ધસદી કરી છે, કોહલીની 54 અર્ધસદી અત્યાર સુધી છે. માની લઈએ કે, હજુ 7-8 વર્ષ સુધી રમે, તો વિરાટને વધુ 43 અર્ધસદી કરવી પડશે.
સૌથી ઝડપી વન-ડે સદી : વેસ્ટઈન્ડિઝ સામે માત્ર 31 દડામાં સદી સાથે આ વિક્રમ ડિવિલિયર્સે કર્યો હતો. કોહલી ચોગ્ગા વધુ મારે છે, છગ્ગા ઓછા. આ વિક્રમ તોડવા વિરાટે વધુ આક્રમક થઈને રમવું પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer