ભૂખમરા મામલે ભારત 102મા સ્થાને

ભૂખમરા મામલે ભારત 102મા સ્થાને
નવી દિલ્હી, તા.16 (પીટીઆઈ) : ભારતને લઈને વધુ એક અહેવાલે ચિંતાઓ પેદા કરી છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (જીએચઆઈ)-2019 અનુસાર ભારત 117 દેશની રેન્કિંગમાં 102મા ક્રમે છે. એશિયામાં તેના અનેક પાડોશી  ભારતથી આગળ છે. ભારત તેના પાડોશીઓ ચીન (25), પાકિસ્તાન (94), બાંગલાદેશ (88), નેપાળ (73), મ્યાંમાર (69) અને શ્રીલંકા (66)થી ઘણું પાછળ છે.
જાહેર થયેલી સૂચિમાં બેલારૂસ, યુક્રેન, તૂર્કી, ક્યૂબા અને કુવૈત સહિતના 17 દેશ ટોચના ક્રમે રહ્યા છે જેમનો જીએચઆઈ પાંચ કરતાં પણ ઓછો છે એમ ભૂખ અને કુપોષણ પર નિરીક્ષણ રાખતા ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી હતી. ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટથી સંબંધિત આયર્લેન્ડની એડ એજન્સી કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન ઓર્ગેનાઈઝેશન વેલ્ટ હંગર જીએચઆઈને તૈયાર કરે છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સની રેટિંગમાં 100 પોઈન્ટસ પર કોઈ પણ દેશને રેન્ક કરવામાં આવે છે. ભારતનો સ્કોર 30.3 છે જે ગંભીર હંગર શ્રેણીમાં આવે છે.
જેટલા ઓછા પોઈન્ટસ હોય તેટલું સારી હાલત તરફ ઈશારો કરે છે. ભૂખમરાની સ્થિતિ બતાવવા માટે જીએચઆઈની પાંચ શ્રેણી બનાવવામાં આવી છે. 0થી 9.9 સારી, 10.0થી 19.9 મધ્યમ, 20.0થી 34.9 ગંભીર, 35.0થી 49.9 ભયાવહ અને 50.0થી વધુ અતિ ભયાવહનો તેમાં સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ભારત વર્ષ 2015માં 93મા, 2016માં 97મા, 2017માં 100મા અને વર્ષ 2018માં 103મા ક્રમે હતું. આ દર્શાવે છે કે ભારતમાં ભૂખમરાને લઈને સંકટ જારી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer