11 વર્ષે વિશ્વને મંદીનું ગ્રહણ

11 વર્ષે વિશ્વને મંદીનું ગ્રહણ
નવીદિલ્હી, તા. 16 : આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ (આઇએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકના અહેવાલના ચોંકાવનારાં તારણમાં જણાવાયું છે કે 11 વર્ષ બાદ દુનિયા ફરીવાર મંદીની ચુંગાલમાં ફસાવા જઇ રહી છે.
જોકે આ વસમા વર્તારામાં ભારતને રાહતરૂપ તારણ પણ અપાયું છે. આઇએમ દ્વારા વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કરાયો છે. જો કે વૈશ્વિક પરિસ્થિતિમાં ભારત કમસેકમ વિકાસ સાથે પણ દુનિયાની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે.
આઇએમએફના મુખ્ય અર્થશાત્રી ગીતાગોપીનાથે જણાવ્યું હતું કે, 2017ના 3.8 ટકાની તુલનાએ વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર 3 ટકા પર પહોંચી જાય એ ચિંતાજનક સ્થિતિ છે.
ત્રણ ટકાના વિકાસ દરને જોતાં નીતિ નિર્માતાઓ પાસે સ્થિતિની અવગણના કરવાના કોઈ વિકલ્પ નથી. બધા દેશોના નીતિ નિર્માતાઓએ મળીને કારોબારી અને રાજકીય ચિંતાને દૂર કરવી પડશે.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડા પાછળ કેટલાક કારણો કામ કરી રહ્યાં છે. અમેરિકા અને ચીન 2018માં એક બીજા પર લાદેલાં શુલ્ક હટાવી દે, તો વૈશ્વિક અર્થતંત્રમાં 2020 સુધી 0.8 ટકા વધારો થઇ શકે છે.
ઊંચા શુલ્ક, વેપારનીતિઓમાં લાંબા સમયથી અનિશ્ચિતતાઓએ રોકાણને નુકસાન કર્યું છે, તેવું અહેવાલ નોંધે છે.
જળવાયુમાં પરિવર્તનના પડકારો સામે ચેતવતાં ગોપીનાથે કહ્યું હતું કે, આ પડકાર સામે નહીં લડાય તો તેની અસર પણ દેખાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer