રાજકોટમાં રોકડ અને દાગીનાની ચીલઝડપ કરતી આંતરરાજ્ય ‘ભાતુ ગેંગ’ ઝડપાઇ

રાજકોટમાં રોકડ અને દાગીનાની ચીલઝડપ કરતી આંતરરાજ્ય ‘ભાતુ ગેંગ’ ઝડપાઇ
  • બેંક પર રેકી કરીને હેલ્મેટ પહેરીને ચીલઝડપ કરતાં’તાં:  જુદા જુદા રાજ્યના 23 ગુના કબૂલ્યા: રોકડ, બાઇક સહિત બે લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ, તા. 16:  રોકડ રકમ અને દાગીનાની ચીલઝડપ કરતી આંતર રાજ્ય ‘ભાતુ ગેંગ’ના પાંચ શખસને રાજકોટ પોલીસે ઝડપી લીધા હતાં. ભાતુ ગેંગના સાગરીતો દ્વારા બેંક પર રેકી કરીને હેલ્મેટ પહેરીને ચીલઝડપ કરવામાં આવતી હતી. આ શખસો પાસેથી રોકડ રકમ, બે બાઇક અને હેલ્મેટ સહિત રૂ. બે લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ ટોળકીએ રાજકોટ ઉપરાંત જુદા જુદા રાજ્યમાં 23 જેટલા ગુના કર્યાની કબૂલાત આપી છે.
અહીંના જાગનાથ પ્લોટમાં જાગનાથ મંદિર પાછળના એપાર્ટમેન્ટમાં રહેતાં સોની વૃદ્ધાના હાથમાંથી રૂ. દોઢ લાખની રોકડ રકમ સાથેના થેલાની ચીલઝડપ થઇ હતી. આ પહેલા મવડી ફાયર સ્ટેશન પાસે રૂ. બાર લાખની ચીલઝડપ થઇ હતી. આ રોકડ રકમ સાથેના થેલાની થતી ચીલઝડપના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે ક્રાઇમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયા અને ઇન્સ. હિતેષ ગઢવીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ. ડી.પી.ઉનડકટ અને તેમના મદદનીશો બલભદ્રસિંહ જાડેજા, એભલ બરાલિયા, હીરેન સોલંકી વગેરેએ સઘન તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી  મોરબી તરફ જતા રસ્તા પર કેટલાક શખસો શંકાસ્પદ હીલચાલ કરી રહ્યાની બાતમી મળી હતી. આ હકિકતના આધારે એ શખસોને ઝડપી લેવાયા હતાં. આ શખસોએ તેના નામ અમીત પ્રદીપકુમાર  ભાટુ, શ્રવણકુમાર ઉર્ફે ઘોટા શંકરસિંઘ ભાટુ, અખિલેશ સુખરામભાઇ ભાટુ, જીતેન્દ્ર સતિષભાઇ ભાટુ અને   રાજેશ્વરપ્રસાદ જયોતીપ્રસાદ ભાટુ હોવાનું અને તેઓ ઉત્તરપ્રદેશના મુરાદાબાદના વતની હોવાનું જણાવ્યું હતું. આ પાંચેય શખસની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં  ભાંગી પડેલા આ શખસોએ રોકડ રકમની ચીલઝડપના સંખ્યાબંધ ગુનાની કબૂલાત આપી હતી.
આ શખસોએ આપેલી કબૂલાતની વિગતો આપતા એસીપી જયદીપસિંહ  સરવૈયાએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુરાદાબાદ પંથકના ભાટુ પરિવાર અને તેમના મળતિયા મળીને  પંદર શખસની ગેંગ છે. આ ગેંગ ભાતુ ગેંગ તરીકે ઓળખાય છે. આ ગેંગના સભ્યો કોઇ પણ શહેરની પાસેના ધાર્મિક સ્થળે મુસાફર તરીકે રોકાય છે. બાદમાં પ્લસર જેવા બાઇક પર હેલ્મેટ પહેરીને શહેરી વિસ્તારમાં આવે છે અને ગેંગના બે ત્રણ સભ્ય જુદી જુદી બેંક પર નજર રાખીને રેકી કરે છે. બેંકમાંથી કોઇ વ્યકિત મોટી રકમ લઇને નિકળે એટલે તેનો બાઇક પર પીછો કરવામાં આવે છે અને મોકો મળ્યે રોકડ રકમ સાથેના થેલા વગેરેની ચીલઝડપ કરીને નાસી જાય છે. આ ભાતુ ગેંગે રાજકોટ ઉપરાંત મોરબી, પોરબંદર, જામનગર, ડાકોર, વડોદરા, ગોધરા, મહારાષ્ટ્ર, શીરડી, મુંબઇ, પંજાબ, ચંદીગઢ સહિતના 23થી વધુ સ્થળે આ રીતે ચીલઝડપ કરી છે. અમીત મુરાદાબાદ ખાતે દારૂના અને પંજાબના અમૃતસરમાં ચોરીના ગુનામાં પકડાયો છે. શ્રવણકુમાર અને અખિલેશ મુરાદાબાદમાં દારૂ ગુનામાં અને રાજેશ્વરપ્રસાદ   ઉત્તરપ્રદેશના હાપલ, હરીદ્વાર અને રૂડકી ખાતે ચોરીના ગુનામાં પકડાયેલ છે. આ ગેંગના અન્ય સાગરીતોની વિગતો મેળવવા પ્રયાસ થઇ રહ્યા છે. આ પાંચ શખસ પાસેથી રૂ. એક લાખની રોકડ રકમ, બે બાઇક, મોબાઇલ ફોન અને હેલ્મેટ સહિત રૂ. બે લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer