‘કોંગ્રેસને પરિવારભક્તિમાં રાષ્ટ્રભક્તિ દેખાય છે’

‘કોંગ્રેસને પરિવારભક્તિમાં રાષ્ટ્રભક્તિ દેખાય છે’
અકોલા/જાલના, તા.16  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર મોટો હુમલો બોલતાં જણાવ્યું હતું કે કોંગ્રેસને પરિવાર ભક્તિમાં રાષ્ટ્રભક્તિ દેખાય છે અને દાવો કર્યો હતો કે વિપક્ષી પાર્ટી હવે છેલ્લા શ્વાસ લઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે હિન્દુત્વના પ્રખર વિચારક વિનાયક દામોદર સાવરકરના સંસ્કાર દેશના પાયામાં છે. મોદીએ નિરાશા વ્યકત કરી હતી કે બાબાસાહેબ આંબેડકરને ભારત રત્નથી દૂર રાખવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર અને લદાખમાં બાબા સાહેબના બંધારણને સંપૂર્ણ રીતે લાગુ ન કરવાના પ્રયાસોની પાછળ પણ આવા લોકોની દુર્ભાવના છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આ વીર સાવરકરના જ સંસ્કાર છે કે રાષ્ટ્રવાદને અમે રાષ્ટ્રનિર્માણના પાયામાં રાખ્યો છે. બીજીતરફ એવા પણ લોકો છે જેમણે કદમ-કદમ પર બાબાસાહેબનું અપમાન કર્યું હતું. મોદીના આ વિધાનો ભાજપના મહારાષ્ટ્ર એકમ દ્વારા વીર સાવરકર માટે ભારત રત્નની માંગ ઉઠાવવાના એક દિવસ બાદ આવ્યા છે.
મહારાષ્ટ્રની વિધાનસભા માટેના ચૂંટણી પ્રચારમાં અકોલા અને જાલનામાં ચૂંટણીસભાઓ સંબોધતાં મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ હવે એવો પક્ષ નથી રહ્યો જેણે સ્વાતંત્ર્યની લડાઈ લડી હતી. હવે તેને રાષ્ટ્રભક્તિ પરિવારભક્તિમાં જ દેખાય છે.

મોદી સામે કાગળ ઉલાળતા યુવકે પૂછ્યું, ક્યાં છે બેટી બચાવો, બેટી પઢાઓ?
થાનેસર,તા.16: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં આજે બનેલી એક અસાધારણ નાટકીય ઘટનામાં એક શખસે મંચ તરફ કેટલાંક કાગળ ઉલાળતા ‘ક્યાં છે બેટી બચાવો, બેટી પઢાઓ?’ જેવો સવાલ ઉઠાવતી નારાબાજી કરી હતી. જો કે વડાપ્રધાને પોતાનું ભાષણ જારી રાખ્યું હતું પરંતુ અચાનક બનેલી આ ઘટનાને પગલે પાંચેક મિનિટ હોબાળો મચી ગયો હતો. તુરત જ પોલીસ ત્યાં દોડી આવી હતી અને દેખાવ કરનાર યુવકને પકડી લીધો હતો. આ શખસ જગાધરીનો રહેવાસી અશોક કુમાર હોવાનું પછીથી જાણવા મળ્યું હતું. તેણે જે કાગળ ફેંક્યા તેમાં વડાપ્રધાનને સંબોધીને એક પત્ર લખાયો હતો. જેમાં યમુનાનગરમાં આઠમા ધોરણમાં ભણતી બાળકીની શિક્ષકે કરેલી જાતીય સતામણીની ફરિયાદ કરવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આરોપી સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે પીડિત બાળકીનાં માતા-પિતા સામે એફઆઈઆર નોંધી નાખી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer