ઉમેદવારોનો વિજય : ક્લાર્કની પરીક્ષા હવે 17 નવેમ્બરે

ઉમેદવારોનો વિજય  : ક્લાર્કની પરીક્ષા હવે 17 નવેમ્બરે
-ધો.12 પાસ, સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે: 10 લાખથી વધુ ઉમેદવારને હાશકારો
અમદાવાદ, તા.16: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા દસ લાખથી પણ વધુ ઉમેદવારોમાં વિરોધનો સૂર ઉઠયો હતો જેની સામે આખરે સરકાર ઝૂકી છે અને વિદ્યાર્થીઓની જીત થઇ છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે આજે જાહેર કર્યુ હતુ ંકે, બિનસચિવાલય સંવર્ગની રદ થયેલી પરીક્ષા આગામી 17મી નવેમ્બર, 2019ના રોજ યોજાશે. જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યુ ંછે તે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. ધોરણ 12 પાસ  અને સ્નાતક કક્ષાના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાની ઉપસ્થિતિમાં નીતિનભાઇ પટેલે ઉમેર્યુ હતું કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગ્રેજ્યુએશનનું નોટીફિકેશન બહાર પડી ગયું હોવા છતાંય 10 લાખથી વધુ યુવાનોએ આ પરીક્ષાની તૈયારી કરી હતી, તેને ધ્યાને લઇને યુવાનોના હિતમાં આ નિર્ણય કરાયો છે.  આ પરીક્ષા માટે અગાઉની પ્રોસેસ યથાવત રખાશે. આ પરીક્ષા અગાઉ જાહેર કરેલ રાજ્યના 3,171 જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાશે.  કોઇપણ વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય અને વિદ્યાર્થીઓએ બિનસચિવાલયની પરીક્ષા માટેનવું ફોર્મ ભરવાની જરૂર નથી અને ઉમેદવારોએ ભરેલું જૂનું ફોર્મ જ માન્ય ગણાશે. એટલે કે જે ઉમેદવારોએ પોતાના નામો રજિસ્ટ્રેશન કરાવ્યા છે તે તમામ ઉમેદવારો એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે પરીક્ષા આપી શકશે. પરીક્ષા માટેના કોલ લેટર પણ આજ થી જ વિદ્યાર્થીઓ  ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.  મેરીટના આધારે 3,771 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. તમામ અનામતની જોગવાઇઓ લાગુ કરીને ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતો બાદ સરકારે બિનસચિવાલયની પરીક્ષા
રદ કરવાનો નિર્ણય મુલત્વી રાખ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે નિર્ણય કરાયો છે કે, ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ પણ બિન સચિવાલયની પરીક્ષા આપી શકશે. રાજ્યસરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જો કે માત્ર આ પરીક્ષા પૂરતો ધોરણ 12 પાસની લાયકાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
ઉમેદવારોને ન્યાય મળે તે માટે આંદોલનકારી પ્રવિણ રામ દ્વારા 19મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવાની જાહેરાત કરાઇ હતી. આ ધરણામાં મોટી સંખ્યામાં યુવાનો ઊમટી પડે તેવી શક્યતા હતી. પરંતુ ધરણા પહેલા જ સરકારે પરિક્ષાની જાહેરાત કરી દેતા પ્રવિણ રામ દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer