હિઝબુલના ત્રણ આતંકી ઠાર

હિઝબુલના ત્રણ આતંકી ઠાર
કમાન્ડર ચંદરૂ સહિત ત્રણ છુપાયા
હતા તે ઘર ફૂંકી અનંતનાગમાં
સેનાએ મેળવી મોટી સફળતા
શ્રીનગર, તા. 16 : કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં મોટી સફળતા મેળવતાં સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર નસીર ચંદરૂ સહિત ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા.
જિલ્લા પોલીસ તરફથી અપાયેલી વિશેષ ગુપ્તચર બાતમીના આધારે સુરક્ષાદળોએ કરેલી કાર્યવાહી દરમ્યાન અનંતનાગના પાજલપોરા વિસ્તારમાં આતંકીઓ સાથે ઘર્ષણ થયું હતું.
મળતી માહિતી મુજબ એક ઘરમાં છુપાઇ બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર કરવા માંડતાં તેમને આત્મસમર્પણ  કરવા કહેવાયું હતું પરંતુ નહીં માનતાં જવાનોએ ઘરને વિસ્ફોટ કરીને ઉડાવી દીધું હતું.
ફૂંકી મરાયેલા ત્રણેય આતંકી હિઝબુલ મુજાહિદીન સાથે જોડાયેલા હતા જેમાં કમાન્ડર ચંદરૂ ઉપરાંત અન્ય બે ઠાર આતંકવાદીની ઓળખ જાવેદ ફારૂક અને અકુબ અહમદ તરીકે કરાઇ છે.
આતંકવાદીઓ પાસેથી પુષ્કળ પ્રમાણમાં હથિયારો, વિસ્ફોટકો જપ્ત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, મોબાઇલ ફોન સેવા પુન: ચાલુ કરાયા પછી આ પહેલી મૂઠભેડ હતી.
બીજીતરફ, કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતક મૂળ છત્તીસગઢનો હતો અને મજૂરીકામ માટે થોડા દિવસ પહેલાં આવ્યો હતો.
--------------
પઠાણકોટ જેવા હુમલાની ભીતિ: પંજાબ, જમ્મુનાં તમામ ડિફેન્સ બેઝ હાઈએલર્ટ
નવીદિલ્હી, તા.16: પંજાબ અને જમ્મુમાં સંરક્ષણ મથકોને નિશાન બનાવીને પઠાણકોટ જેવો ભયાનક હુમલો કરવાની ફિરાકમાં આતંકવાદીઓ હોવાની ગુપ્તચર ચેતવણીને પગલે બન્ને રાજ્યોનાં તમામ સુરક્ષા મથકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.  તાજી મળેલી ગુપ્તચર બાતમી પાકિસ્તાનમાંથી આતંકીઓની એક ટોળીએ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હોવાનો ઈશારો કરી જાય છે. જેને પગલે પંજાબ અને જમ્મુ આસપાસનાં તમામ ડિફેન્સ બેઝને હાઈએલર્ટ કરી દેવાયા છે. પઠાણકોટ સહિતનાં તમામ પંજાબ-જમ્મુનાં એરબેઝને પણ ઓરેન્જ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer