CBI પછી EDએ પણ કરી ચિદમ્બરમ્ની ધરપકડ

CBI પછી EDએ પણ કરી ચિદમ્બરમ્ની ધરપકડ
ઈડીએ પૂછપરછ પછી ધરપકડ કર્યા બાદ ચિદમ્બરમ્ સામે દિલ્હીની ખાસ કોર્ટે જારી કર્યુ વોરંટ
નવી દિલ્હી, તા. 16: આઈએનએક્ષ મીડિયા કથિત મની લોન્ડરીંગ કેસ સંબંધે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદંબરમની ધરપકડ કર્યા બાદ અહીંની રાઉઝ એવન્યુ કોર્ટે ચિદંબરમ સામે સેકશન પ0 (2) સામે પ્રોડકશન વોરન્ટ જારી કર્યુ હતું. તિહાર જેલ ખાતે આ કોંગ્રેસી નેતાની બે કલાક પૂછપરછ કરી હોવાનું ઈડીએ આ કોર્ટને જણાવ્યા બાદ આ વોરન્ટ જારી થયું હતું. ખાસ કોર્ટે ચિદંબરમને આવતી કાલે બપોરે 3 કલાકે કોર્ટમાં હાજર કરવા તિહાર જેલના સત્તાવાળાઓને દોરવણી આપી હતી.ઈડીના 3 સભ્યોની ટીમે આજે તિહાર જેલમા ચિદંબરમની બે કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી.
પોતે નાણાં મંત્રી હતા ત્યારે આઈએનએક્ષ મીડિયાને ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડે આપેલી બહાલીમાંની ગેરરીતિઓમાંની સંડોવણી સબબ ચિદંબરમ 21 ઓગસ્ટથી અદાલતી કસ્ટડીમાં હતા.
ઈડીના અધિકારીઓએ જણાવ્યુ હતું કે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની સેકશન હેઠળ આ કોગ્રેસી નેતાની ધરપકડ થઈ છે. તેમના પુત્ર કાર્તિ ચિદંબરમે કથિતપણે ઉભી કરેલી શેલ (બનાવટી) કંપનીઓ પાસેથી મેળવેલી કટકીઓ બારામાં તેમને સવાલો કરાશે.
ચિદંબરમે ગેરકાયદે કરેલી ફેવર્સ (કામ કરી આપ્યા)બદલ મેળવેલી કટકીઓની રકમો જ્યાં જમા કરાવી છે તેવા બે ડઝન વિદેશી બેન્ક ખાતાં ઓળખી કઢાયાનું ઈડીએ કોર્ટને જણાવ્યું હતુ. તેમના અંગત સચિવ સહિત ઓછામાં ઓછા તેર સાહેદોએ આપેલા નિવેદનોને લઈ ચિદંબરમને આમનેસામને કરાવાશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer