ઈતિ શ્રી અયોધ્યા અદાલતી અધ્યાય

ઈતિ શ્રી અયોધ્યા અદાલતી અધ્યાય
સુનાવણી પૂરી, ફેંસલાની વાટ શરૂ :  ચુકાદો અનામત, હવે નવેમ્બરમાં ફેંસલો આવશે : 70 વર્ષ જૂના સંવેદનશીલ અયોધ્યા કેસની સતત 40 દિવસ સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે કહ્યું, ઈનફ ઈઝ ઈનફ
 
 
નવીદિલ્હી, તા.16: સુપ્રીમ કોર્ટે આજે રાજકીય અને સાંપ્રદાયિક સંવેદનશીલ અયોધ્યામાં રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ જમીની વિવાદની સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખી લીધો છે. ફેંસલો હવે નવેમ્બર માસમાં આવશે જેની સમગ્ર દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈનાં વડપણવાળી પાંચ જજોની ખંડપીઠે 40 દિવસ સુધી રોજિંદી સુનાવણી ચલાવીને આજે દલીલની કાર્યવાહી પૂર્ણ કરી હતી.
અદાલતે આ કેસમાં સંબંધિત પક્ષોને મોલ્ડિંગ ઓફ રિલીફ (રાહતમાં બદલાવ) મુદ્દે લેખિત દલીલો આપવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હતો. અયોધ્યાનાં આ ઐતિહાસિક કેસને સાંભળનારી ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ગોગોઈ ઉપરાંત ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ધનંજય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નઝીર સામેલ હતાં.
આજે સવારે અદાલતની કાર્યવાહી શરૂ થવા સાથે જ ખંડપીઠે બન્ને તરફનાં પક્ષકારોને જણાવી દીધું હતું કે, 39 દિવસથી આ મામલે સુનાવણી ચાલી રહી છે અને હવે આજે અંતિમ દિવસ છે. હવે વધુ સમય  આપવામાં આવશે નહીં. ઈનફ ઈઝ ઈનફ એટલે કે બસ હવે બહુ થયું તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. અદાલતે 17 ઓક્ટોબરે અદાલતી કાર્યવાહી પૂર્ણ કરવાની જાહેરાત અગાઉ કરેલી પણ આજે એક દિવસ વહેલું કામ આટોપી લેવામાં આવ્યુ હતું.
ચીફ જસ્ટિસ ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ખંડપીઠે અયોધ્યામાં 2.77 એકર વિવાદિત જમીન ત્રણ પક્ષકાર-સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે ત્રણ હિસ્સામાં વહેંચવાનાં અલ્હાબાદ હાઈકોર્ટનાં વર્ષ 2010નાં આદેશ વિરુદ્ધ 14 અપીલોની સુનાવણી દૈનિક ધોરણે ચલાવીને આજે પૂર્ણ કરી છે.
આજે સુનાવણીનાં 40મા અને અંતિમ દિવસે હિન્દુ પક્ષકાર તરફથી વકીલ સી.એસ.વૈદ્યનાથને કહ્યું હતું કે, મુસ્લિમ પક્ષનો એવો દાવો હતો કે મસ્જિદનું નિર્માણ બાબર દ્વારા કરાવવામાં આવ્યું હતું પણ આ વાતને હજી સુધી સાબિત કરી શકાઈ નથી. જો કબજાનાં સિદ્ધાંત ઉપર વિવાદિત જમીનનાં માલિકીહકનો દાવો કરવામાં આવતો હોય તો એ વાતનો સ્વીકાર કરવો પડશે કે મંદિર અને મૂર્તિઓ એ પહેલાથી ત્યાં હતાં અને એ જ તેનાં માલિક સાબિત થાય. તો મુસ્લિમ પક્ષકારો તરફથી વકીલ રાજીવ ધવને પૂર્વ આઈપીએસ અધિકારી કિશોર કુણાલ દ્વારા લિખિત પુસ્તકનો હવાલો આપવાની કોશિશ સામે વાંધો ઉઠાવાયો હતો અને તેને મંજૂરી નહી આપવા કહેવાયું હતું.
---------
મધ્યસ્થતા સમિતિએ અદાલતને સમાધાનનો દસ્તાવેજ સોંપ્યો
નવીદિલ્હી,તા.16: અયોધ્યા મધ્યસ્થતા સમિતિએ આજે સુપ્રીમ કોર્ટમાં પોતાનાં સમાધાન દસ્તાવેજો પેશ કરી દીધા હતાં. જો કે સમાધાન દસ્તાવેજોની કોઈ વિગતો સાર્વજનિક કરવામાં આવી નહોતી. મધ્યસ્થતા સમિતિએ સંવાદથી આ 70 વર્ષ જૂના કેસનો ઉકેલ લાવવા માટેની પરવાનગી માગી છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer