બસ સ્ટેન્ડમાં કીચડરાજ: વોલ્વો રૂમમાં એસી બંધ

બસ સ્ટેન્ડમાં કીચડરાજ: વોલ્વો રૂમમાં એસી બંધ
પ્લેટફોર્મ પર પાંખીયા વગર લટકાતા પંખા, નવા બસ સ્ટેશનમાં સ્થળાંતરની રાહમાં યાત્રિકો
રાજકોટ, તા. 8: રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે હંગામી બસ સ્ટેશનમાં ટાંચી સુવિધાને લીધે યાત્રિકોને ભારે અગવડતા ભોગવવી પડી રહી છે. જ્યાં દરરોજ હજારો મુસાફરો આવ-જા કરે છે તેવા આ સ્થળે વિશાળ મેદાનમાં કીચડનું સામ્રાજ્ય છવાયું છે. જેમાં ભારે ગંદકીને કારણે પેસેન્જરો ઉપર ડેંગ્યુ-મેલેરીયા સહિતના રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે.
એસટી બસ સ્ટેશનમાં વોલ્વોના પેસેન્જરો માટે ખાસ એરકન્ડીશન્ડ વેઈટીંગ રૂમ બનાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી એરકન્ડીશન્ડ બંધ પડયા છે માટે એસી વોલ્વો બસના પ્રિમીયમ ભાડું ચુકવનાર યાત્રિકોને પણ ભારે ગરમીમાં પંખાની ગરમ હવામાં સમય પસાર કરવાની નોબત આવી છે. આ ઓછું હોય તેમ કતારબંધ ઉભા કરાયેલા પ્લેટફોર્મ પર મોટાભાગના પંખા અતિશય જુના અને માંડ માંડ ફરી શકે એવા છે. જ્યારે કેટલાક પ્લેટફોર્મ પર તો ફક્ત પંખાના સળીયા જ વધ્યા છે. પાંખીયા અને તેની મશીનરીનો પાર્ટ જોવા જ મળતો નથી.  બીજી તરફ તંત્ર દ્વારા 31 ડિસેમ્બર આસપાસના સમયે ઢેબર રોડ પર બની રહેલા નવા બસ સ્ટેન્ડમાં સ્થળાંતર કરવામાં આવે તેવો લક્ષ્યાંક રખાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હાલ શાસ્ત્રી મેદાન સ્થિત બસ સ્ટેશનની સ્થિતિ જોતા વહેલીતકે નવું બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવે તેવી યાત્રિકોમાંથી માગ ઉઠી રહી છે.
M.Sc., B.Sc. શિક્ષિતો હંગામી કંડક્ટર
રાજ્યમાં બેરોજગારીએ માજા મુકી છે ત્યારે રાજકોટ એસટી ડેપોમાં કુલ 181 કન્ડક્ટર છે. જેમાંથી 8પ ફિક્સ પગાર પર કામ કરે છે. એમાં એમએસસી, બીએસસી સહિતના શિક્ષિત યુવાનો પણ 10 હજાર જેટલા વેતનમાં કંડક્ટરની ફરજ બજાવી રહ્યા છે. નોંધનીય છે કે રાજકોટ ડેપોમાં લેડી કન્ડક્ટરની સંખ્યા 4ર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ડ્રાઈવર-કંડક્ટરની અછત છે. ડેપોમાં 10ર બસ છે. એમાં પણ ફિક્સ પગાર પર કામ કરતા કંડક્ટરો મોટાભાગે અન્ય સારી નોકરીની તકમાં હોય છે. માટે તેઓ અવારનવાર રજા પર ઉતરી જાય છે. આ જ રીતે મહિલા કંડક્ટરને મેટરનીટી લીવ, ગાયનેક પ્રોબ્લેમ વખતે તેઓ રજા પર ઉતરે ત્યારે ઘણી વખત વ્યવસ્થા જળવાતી નથી માટે છેવટે પ્રજાને હેરાન થવું પડે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer